<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સમાચારમાં ભૂલ સુધારા અંગેની સ્પષ્ટતા : મહેસાણાની સર્વોદય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક કાર્યરત છે : લાયસન્સ રદ થયાના સમાચાર મુંબઈની બેંકના હતા

અગાઉ પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં બેંકના નામ અને સરનામામાં ક્ષતિ રહી હતી : મહેસાણાની બેંકની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવા અપીલ સાથે સાચી વિગત જાહેર કરાઈ

મહેસાણા: ગત તા. 12 નાં રોજ, 'અકિલા' સહિત વિવિધ માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા એક સમાચારના સંદર્ભમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા અને ભૂલ સુધારો જાહેર કરવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 'સર્વોદય કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ'નું લાયસન્સ રદ કરવા અંગેના સમાચારમાં અજાણતા મહેસાણાની 'સર્વોદય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ'ના નામ અને શાખાઓની વિગતોનો ઉલ્લેખ થયો હતો. જે અંગે બેંક દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંને સંસ્થાઓ સંપૂર્ણપણે અલગ છે.


નામની સમાનતાના કારણે સર્જાઈ ગેરસમજ:
મહેસાણા સ્થિત સર્વોદય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, RBI દ્વારા લેવાયેલા કડક પગલાં મુંબઈ સ્થિત બેંક વિરુદ્ધ હતા. અગાઉના અહેવાલમાં મુંબઈની બેંકને બદલે મહેસાણાની બેંકનું નામ, સરનામું અને શાખાઓની વિગત દર્શાવવામાં આવી હતી, જે હકીકતમાં ક્ષતિપૂર્ણ હતી. મહેસાણાની આ બેંક માત્ર ગુજરાતમાં જ કાર્યરત છે અને તેની કોઈ પણ શાખા ગુજરાત બહાર આવેલી નથી.


બેંકની પ્રતિષ્ઠા અને ગ્રાહકોના વિશ્વાસની અપીલ:
ખોટી વિગતો પ્રસિદ્ધ થવાના કારણે બેંકની વર્ષોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હોવાની લાગણી બેંક મેનેજમેન્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બેંક દ્વારા સત્તાવાર રીતે RBIની રિલીઝ નોટ ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મહેસાણાની બેંક સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનું લાયસન્સ રદ થયાના સમાચાર તદ્દન પાયાવિહોણા છે. ગ્રાહકો અને પ્રબુદ્ધ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ વિગતોની નોંધ લે અને મુંબઈની બેંક સાથે મહેસાણાની બેંકને ન સાંકળે.


ખોટી વિગતો દૂર કરવા અને સ્પષ્ટતા કરવા લેવાયેલો નિર્ણય:
આ સમાચારમાં થયેલી ભૂલ અંગે ખેદ વ્યક્ત કરવાની સાથે સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. મહેસાણાની સર્વોદય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તેના તમામ ગ્રાહકોને અગાઉની જેમ જ સેવાઓ પૂરી પાડી રહી છે અને લાયસન્સ રદ થવાની બાબત માત્ર મુંબઈની બેંક પૂરતી જ મર્યાદિત છે. ભવિષ્યમાં પણ બેંકના નામ અને વિગતો બાબતે કોઈપણ સમાચાર પ્રસિદ્ધ કરતા પહેલા સાવચેતી રાખવા અને સત્યતા ચકાસવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:39 AM IST)