<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

યુરોપમાં આબોહવા પરિવર્તનનો કાળો કહેર: સ્પેન અને ફ્રાન્સમાં ભીષણ ગરમીથી હાહાકાર, ૨,૦૦૦ થી વધુ લોકોના મોત અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસવાની ચેતવણી!

તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસને પાર જવાની આશંકા; વૃદ્ધો અને બીમાર લોકો માટે રેડ એલર્ટ, જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધ્યું

પેરિસ : પશ્ચિમ યુરોપના બે મુખ્ય દેશો સ્પેન અને ફ્રાન્સ હાલમાં ઇતિહાસની સૌથી ભયાનક ગરમીના મોજા (Heatwave) નો સામનો કરી રહ્યા છે. જૂન મહિનામાં પડેલી રેકોર્ડબ્રેક ગરમીએ આ બંને દેશોમાં તબાહી મચાવી દીધી છે, જેમાં અત્યાર સુધીમાં સત્તાવાર અને બિનસત્તાવાર મળીને ૨,૦૦૦ થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા છે. હવામાન વૈજ્ઞાનિકોની ચેતવણી અનુસાર, આ આફત અહીં જ અટકવાનું નામ નથી લઈ રહી. જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનું વધુ એક ઘાતક મોજું ત્રાટકવાની તૈયારીમાં છે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે તેવી ગંભીર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સ્પેનની હવામાન એજન્સી 'એમેટ' (Aemet) એ તાજેતરમાં જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે શનિવારથી દેશના મોટાભાગના વિસ્તારોમાં લૂ અને અસહ્ય ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને દક્ષિણ-પૂર્વ સ્પેનના વિસ્તારોમાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. માત્ર સ્પેનમાં જ નહીં, ફ્રાન્સમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. ફ્રાન્સની જાહેર આરોગ્ય એજન્સીના જણાવ્યા અનુસાર, જૂનના અંતમાં ૧૦ દિવસ સુધી ચાલેલા ગરમીના મોજાને કારણે દેશમાં ૧,૦૦૦ થી વધુ વધારાના મૃત્યુ નોંધાયા છે, જે જૂન ૨૦૦૩ ની યાદ અપાવે છે.
વૃદ્ધો અને બાળકો માટે જોખમી સમયગાળો
સોશિયલ હેલ્થ સર્વિસ 'SoS-Médecins' ના આંકડાઓ અત્યંત ચિંતાજનક છે. જૂન મહિનાના અંતિમ બે અઠવાડિયામાં ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદરમાં ૮૫ ટકાનો ઉછાળો આવ્યો છે. હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસમાં તો ૪૮૦ ટકા અને ૩૧૫ ટકા જેવો ધરખમ વધારો જોવા મળ્યો છે. ફ્રાન્સના રમતગમત મંત્રી મરિના ફેરારીએ જણાવ્યું હતું કે, ગરમીથી રાહત મેળવવા માટે નદી કે તળાવોમાં ન્હાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ ૯૦ ને વટાવી ગઈ છે, જે આ આફતનું એક બીજું કરુણ પાસું છે. પેરિસની હોસ્પિટલોના વડા નિકોલસ રેવેલના મતે, ગરમીથી થતા મૃત્યુની સંખ્યા ગયા વર્ષના ૫,૭૦૦ ના આંકડાને પણ વટાવી જવાની આશંકા છે.
આબોહવા પરિવર્તન: જવાબદાર કોણ?
વૈજ્ઞાનિકો આ ભયાનક સ્થિતિ માટે અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) ના અતિશય વપરાશથી સર્જાયેલા આબોહવા સંકટને જવાબદાર માને છે. સ્પેનમાં તો છેલ્લા એક મહિનામાં બે વાર રેકોર્ડબ્રેક ગરમી જોવા મળી છે, જે આબોહવા પરિવર્તનની ગંભીરતા દર્શાવે છે. વધતા તાપમાનને કારણે હવે જંગલોમાં આગ (Wildfires) લાગવાનું જોખમ પણ અનેકગણું વધી ગયું છે. પ્રશાસને લોકોને ખાસ કરીને વૃદ્ધો અને હૃદયરોગથી પીડાતા લોકોને દિવસ દરમિયાન ઘરની બહાર ન નીકળવા અને સતત પ્રવાહી લેતા રહેવાની સલાહ આપી છે. યુરોપના આ દેશો માટે હવે ગરમીનો આ પ્રકોપ માત્ર હવામાનનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ એક જીવલેણ રાષ્ટ્રીય કટોકટી બની ગયો છે.

(10:06 PM IST)