તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
પીએમ મોદી ટ્રમ્પના ‘કઠપૂતળી’ હોવાનો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો સનસનાટીભર્યો આરોપ: રામ માધવના નિવેદનથી વિદેશ નીતિ પર શરૂ થયું આક્રમક વાકયુદ્ધ
ઈરાન-રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાના રામ માધવના દાવાને કોંગ્રેસે ‘ભારતનું આત્મસમર્પણ’ ગણાવ્યું, ભાજપ નેતાએ હકીકત દોષ સ્વીકારી માફી માંગી હોવા છતાં કર્ણાટક સીએમે વડાપ્રધાનની મૌન ભૂમિકા સામે ઉઠાવ્યા આકરા સવાલો

બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો લાવી દીધો છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘કઠપૂતળી’ તરીકે કામ કરી રહ્યા છે. આ વિવાદનું મૂળ આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવની અમેરિકામાં તાજેતરની ટિપ્પણી છે, જેમાં તેમણે કથિત રીતે સ્વીકાર્યું હતું કે ભારત રશિયા અને ઈરાન પાસેથી તેલની આયાત બંધ કરવા તેમજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ સ્વીકારવા સંમત થયું છે. સિદ્ધારમૈયાએ આને ભારતની સાર્વભૌમત્વ સાથે સમજૂતી અને વિદેશી શક્તિઓ સામે બેશરમ આત્મસમર્પણ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે રામ માધવે વોશિંગ્ટનમાં હડસન ઇન્સ્ટિટ્યૂટના કાર્યક્રમમાં જે કહ્યું તે મોદી સરકારની ‘ખતરનાક પ્રાથમિકતાઓ’ ખુલ્લી પાડે છે. તેમના મતે, ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીને પણ વિદેશી શક્તિઓને ખુશ કરવાના આ પ્રયાસો ભારતની આઝાદી અને સાર્વભૌમત્વ માટે જોખમી છે. સિદ્ધારમૈયાએ વધુમાં ઉમેર્યું કે ટ્રમ્પની મજાક સામે વડાપ્રધાનનું મૌન એ સાબિત કરે છે કે તેઓ દબાણ હેઠળ છે. આ નિવેદન બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર દેશહિત કરતા વ્યૂહાત્મક છૂટછાટોને વધુ મહત્વ આપવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે, જેને પગલે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ છેડાઈ છે.
બીજી તરફ, વિવાદ વધતા રામ માધવે તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માફી માંગીને સ્પષ્ટતા કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી તથ્યાત્મક રીતે ખોટી હતી અને ભારત રશિયા પાસેથી તેલ આયાત બંધ કરવા ક્યારેય સંમત થયું નથી. માધવે વધુમાં જણાવ્યું કે ભારત 50 ટકા ટેરિફ લાદવાનો જોરશોરથી વિરોધ કરી રહ્યું છે અને પેનલ ચર્ચા દરમિયાન પ્રતિસાદ આપવામાં તેમનાથી હકીકત દોષ થયો હતો. જોકે, ભાજપ નેતાની માફી છતાં કોંગ્રેસે આ મુદ્દાને પકડી રાખ્યો છે અને કેન્દ્ર સરકાર પાસે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ લેવાયેલા નિર્ણયો અંગે શ્વેતપત્રની માંગણી કરી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
