તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
માતા સાવિત્રી દેવીને અંતિમ વિદાય આપતી વખતે સીએમ યોગી અત્યંત ભાવુક થયા:આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા
વારંવાર રૂમાલથી આંસુ લૂછતા જોવા મળ્યા યોગી: ગ્રામજનો અને સગાસંબંધીઓની આંખો પણ ભરાઈ આવી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કડક અને મક્કમ વહીવટ માટે જાણીતા છે, પરંતુ ઉત્તરાખંડના પૌડી જિલ્લા સ્થિત પૈતૃક ગામ પંચૂરમાં તેમનું એક અત્યંત સંવેદનશીલ રૂપ જોવા મળ્યું. માતા સાવિત્રી દેવીને અંતિમ વિદાય આપતી વખતે સીએમ યોગી અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા હતા.
શુક્રવારે સાંજે 4:55 વાગ્યે પૈતૃક નિવાસસ્થાને પહોંચતા જ યોગી આદિત્યનાથે માતાના પાર્થિવ દેહ પર પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. થોડીવાર સુધી તેઓ માતાના પાર્થિવ દેહ સામે એકીટશે નિહાળીને મૌન ઊભા રહ્યા હતા. તેમની ભીની આંખો જોઈને ત્યાં હાજર ગ્રામજનો અને સગાસંબંધીઓની આંખો પણ ભરાઈ આવી હતી. ઘરે પહોંચીને તેમણે પરિવારજનો પાસેથી માતાની તબિયત અને અંતિમ દિવસોની વિગતો જાણી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમ વિદાયની તૈયારીઓ દરમિયાન પણ યોગીની આંખોમાંથી વારંવાર આંસુ વહી રહ્યા હતા. આ દુઃખદ ઘડીએ ઉત્તરાખંડ વિધાનસભા અધ્યક્ષ ઋતુ ખંડૂડી, મંત્રી સુબોધ ઉનિયાલ અને યુપીના કેબિનેટ મંત્રી સંજય નિષાદ સહિત અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સંન્યાસ લીધા બાદ સાંસારિક જીવનથી દૂર રહેવા છતાં યોગી આદિત્યનાથને પોતાની માતા પ્રત્યે અતૂટ લગાવ હતો. બહેન શશિ પયાલ જણાવે છે કે 1998માં સંન્યાસના ચાર વર્ષ બાદ જ્યારે યોગી પહેલીવાર ગામ આવ્યા હતા, ત્યારે પરંપરા મુજબ તેમણે માતા પાસેથી પ્રથમ ભિક્ષા લીધી હતી, તે સમયે પણ આખો પરિવાર રડી પડ્યો હતો. વર્ષ 2024માં જ્યારે માતાની તબિયત લથડતા તેમને ઋષિકેશ એમ્સ અને જોલીગ્રાન્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારે પણ યોગી તેમની ખબર પૂછવા દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી માતા ફોન પર વાત કરી શકતા નહોતા, પરંતુ યોગી સતત ભાઈઓના સંપર્કમાં રહીને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતા હતા. યોગી આ જ મહિને ફરી માતાને મળવા પંચૂર આવવાના હતા, પરંતુ તે પહેલા જ માતાની ચિરવિદાયથી તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
