<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

'કોકરોચ જનતા પાર્ટી' પર સરકારનો ડિજિટલ પ્રહાર કે રાજકીય દમન? X એકાઉન્ટ બ્લોક થતા મામલો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટમાં!

વંદો અને પરોપજીવી શબ્દોના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પાર્ટીની મુસીબત વધી: હાઈકોર્ટમાં રિટ દાખલ કરી સરકારી કાર્યવાહીને પડકારવામાં આવી.

નવી દિલ્હી : દેશના રાજકીય અને કાનૂની ગલીયારામાં હાલ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર રાતોરાત ઉભરી આવેલી આ વ્યંગાત્મક પાર્ટીનું સત્તાવાર 'X' હેન્ડલ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર બ્લોક કરી દેવામાં આવતા મોટો વિવાદ છેડાયો છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા વરિષ્ઠતાની માંગ કરી રહેલા વકીલો માટે વપરાયેલા કથિત "પરોપજીવી" અને "વંદો" જેવા શબ્દોથી થઈ હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશે પાછળથી સ્પષ્ટ કર્યું હતું કે તેમનું નિવેદન માત્ર નકલી ડિગ્રી સાથે કાયદા વ્યવસાયમાં પ્રવેશનારાઓ માટે હતું, પરંતુ સોશિયલ મીડિયા પર આ નિવેદનથી એક નવી ચળવળ શરૂ થઈ ગઈ. દીપકનું કહેવું છે કે, માત્ર 15 મેના રોજ થયેલી ટિપ્પણીના બીજા જ દિવસે ઉભરી આવેલી આ પાર્ટીને યુવાનો, કલાકારો અને કાર્યકરોનો અભૂતપૂર્વ સમર્થન મળ્યો હતો અને તેના 2,01,000 ફોલોઅર્સ થઈ ગયા હતા.
અભિજીત દીપકે આરોપ લગાવ્યો છે કે સરકાર આ વ્યંગાત્મક પ્લેટફોર્મની વધતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે. દીપક જેઓ આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા છે, તેમણે દાવો કર્યો છે કે તેમની વધતી જતી ડિજિટલ હાજરીને દબાવવા માટે આ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે અને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ હેક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે NG લો ચેમ્બર્સના એડવોકેટ નકુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 27 મેના રોજ સુનાવણી થવાની શક્યતા છે.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે આ સમગ્ર વિવાદને વધુ ગંભીરતાથી લેવાનો ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે અરજદારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "આ બાબતે ખૂબ ભાવુક ન થાઓ." કોર્ટે નકલી વકીલો અને CJP સંબંધિત પ્રવૃત્તિઓની તપાસની માંગ કરતી અરજીઓને અત્યારે ફગાવી દીધી છે. એક તરફ જ્યાં કાનૂની લડાઈ કોર્ટમાં પહોંચી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ 'વંદો જનતા પાર્ટી'નો મુદ્દો સરકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેની નવી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(10:00 PM IST)