<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડી સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી : કસ્ટડી લંબાવવાના આદેશને પડકાર્યો

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન મામલે પકડાયેલા નેતાઓની કસ્ટડી વિરુદ્ધ હાઈકોર્ટમાં અર્જન્ટ હિયરિંગની માંગ : જામીન માટે રજૂ કરાયેલા જામીનદારોને ફગાવવાના આદેશ સામે પણ ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકર્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા દ્વારા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટના એ આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેમની ન્યાયિક કસ્ટડી આગામી ૨૧ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. અરજીકર્તાઓએ તેમની અટકાયતને મૂળભૂત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવી છે અને વકીલો દ્વારા આ કેસમાં તાકીદે સુનાવણી (અર્જન્ટ હિયરિંગ) હાથ ધરવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાક્રમ અને કાનૂની દલીલો:
દિલ્હી પોલીસ દ્વારા ગત ૧૩ ઓક્ટોબરે જંતર-મંતર ખાતે બેરિકેડ્સ ઓળંગીને પ્રવેશ કરવાના આરોપસર સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરવામાં આવી હતી. ૧૪ ઓક્ટોબરે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ૧૯ ઓક્ટોબરે તેમની કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે તેમનું આચરણ કાયદા પ્રત્યે અનાદર દર્શાવે છે અને શાંતિ ભંગ થવાની ગંભીર સંભાવના છે. આ ઉપરાંત, જામીન માટે રજૂ કરાયેલા જામીનદારોના ફોટોગ્રાફ અને આધાર કાર્ડમાં વિસંગતતા તથા અન્ય ખામીઓ હોવાના કારણે કોર્ટે તેમના જામીનદારોને અયોગ્ય ઠેરવીને ફગાવી દીધા હતા.

હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાસ અને રાંકાએ જણાવ્યું છે કે યોગ્ય જામીનદારો રજૂ કરવા છતાં તેમને છ દિવસથી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. વકીલો દ્વારા દલીલ કરવામાં આવી છે કે મેજિસ્ટ્રેટ દ્વારા કાનૂની પ્રક્રિયાનું યોગ્ય પાલન કર્યા વિના પોલીસની અરજીના આધારે યાંત્રિક રીતે કસ્ટડી લંબાવવામાં આવી છે. આ કેસમાં ૨૦૧૮ના દિલ્હી હાઈકોર્ટના એક ચુકાદાનો હવાલો આપીને રજૂઆત કરવામાં આવી છે કે જામીનદારોની ચકાસણી ચાલુ હોય ત્યારે વ્યક્તિને અંગત બોન્ડ પર મુક્ત કરવા જોઈએ. CJP ના એક્ટિવિસ્ટ એ ભારપૂર્વક જણાવ્યું છે કે કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને તેમની સ્વતંત્રતા પર રોક લગાવવામાં આવી છે.

(6:14 PM IST)