<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ધીમે ધીમે ઠંડીનું આગમન: લઘુતમ તાપમાનનો પારો ગગડતા નાગરિકોએ અનુભવી ગુલાબી ઠંડી

સાંતાક્રુઝમાં તાપમાન ઘટીને ૧૯.૬ ડિગ્રી પહોંચ્યું, હવામાનમાં પલટા સાથે રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર વધવા લાગ્યું છે

મુંબઈ, તા.૧૩: મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોના કારણે શહેરમાં ધીમી અને આહ્લાદક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૯.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત અઠવાડિયા સુધી મુંબઈમાં લઘુતમ તાપમાન ૨૫ થી ૨૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું હતું, પરંતુ બુધવાર અને ગુરુવાર દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા સવારના સમયે નાગરિકોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

હવામાન વિભાગના આંકડા મુજબ ગુરુવારે સાંતાક્રુઝ ખાતે લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કોલાબામાં તાપમાન ૨૫.૦ ડિગ્રી રહ્યું હતું, જોકે દિવસ દરમિયાન ગરમ અને સૂકું વાતાવારણ રહેવાને કારણે મુંબઈના રહેવાસીઓ મિશ્ર હવામાનનો અનુભવ કરી રહ્યા છે.

માત્ર મુંબઈ જ નહીં પરંતુ મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે, જેમાં નાશિકમાં તાપમાન ૧૪.૨ ડિગ્રી, પુણેમાં ૧૪.૩ ડિગ્રી, માલેગાંવ અને સાતારામાં ૧૪.૬ ડિગ્રી તથા હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં ૧૬.૪ ડિગ્રી જેટલું નીચું નોંધાયું છે.

દિવાળીના સમયમાં ફટાકડાના કારણે હવામાં વધેલા પ્રદૂષણને લીધે મુંબઈનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૭૨ સુધી પહોંચ્યો હતો, પરંતુ ફટાકડાનું પ્રમાણ ઘટતા હવે હવાની ગુણવત્તામાં ક્રમશઃ સુધારો જોવા મળી રહ્યો છે અને સરેરાશ AQI ૧૩૮ ની આસપાસ નોંધાયો છે.

આગામી દિવસોમાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના પ્રભાવને કારણે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી નાગરિકોને ગરમીથી રાહત મળશે.

(5:08 PM IST)