<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

કોલેજિયમ સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટનો મોટો ધડાકો: ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું, 'જજોની નિમણૂકમાં સરકારની ભુમિકા મહત્વની

.કારોબારીની પોતાની નિષ્ફળતાઓ લપાવવા માટે કોલેજિયમને દોષિત ઠેરવવાની નવી ફેશન બની ગઈ છે: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉમેદવારોની આકરી તપાસથી લઈને આખરી સહી સુધી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિની મંજૂરી વિના એક પણ જજની નિમણૂક શક્ય નથી

નવી દિલહી: ભારતીય ન્યાયતંત્ર અને સરકાર (કારોબારી) વચ્ચે ઉચ્ચ ન્યાયાલયોમાં જજની નિમણૂકને લઈને ચાલી રહેલા લાંબા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તાએ એક અત્યંત મહત્વપૂર્ણ અને તીખો ચુકાદો આપતા દેશભરમાં ફેલાયેલી ગેરસમજોનો પર્દાફાશ કર્યો છે. દેશમાં એવી એક દ્રઢ માનસિકતા ઊભી કરવામાં આવી છે કે કોલેજિયમ સિસ્ટમ હેઠળ 'ન્યાયાધીશો જ ન્યાયાધીશોની નિમણૂક કરે છે', પરંતુ જસ્ટિસ દત્તાએ આ ધારણાને તદ્દન પાયાવિહોણી ગણાવી છે. તેમણે સણસણતો પ્રહાર કરતા કહ્યું કે વાસ્તવિકતામાં જજોની નિમણૂક પ્રક્રિયામાં ન્યાયતંત્રની ભૂમિકા કારોબારી (સરકાર) કરતાં ગૌણ છે અને સરકાર જ આખી પ્રક્રિયામાં આખરી તથા મુખ્ય ભૂમિકા ભજવે છે.

જસ્ટિસ દીપાંકર દત્તાએ દેશની કાયદાકીય પ્રક્રિયાને વિગતવાર સમજાવતા સ્પષ્ટ કર્યું હતું કે કોલેજિયમ માત્ર નામોની ભલામણ કરે છે. આ ભલામણ કેન્દ્ર સરકાર પાસે જાય તે પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો, દેશની ગુપ્તચર એજન્સીઓ (IB, RAW) અને અન્ય સંબંધિત તંત્રો દ્વારા ઉમેદવારના ભૂતકાળ, યોગ્યતા અને પૃષ્ઠભૂમિની અત્યંત બારીકાઈથી અને આકરી તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ તમામ રિપોર્ટના આધારે રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી અને આખરી સહી મળ્યા બાદ જ કોઈ વ્યક્તિ ન્યાયાધીશ બની શકે છે. આમ, જજોની પસંદગી અને મંજૂરીની અસલી ચાવી સરકારના હાથમાં જ રહેલી છે, છતાં પોતાની બેદરકારી અને નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા માટે કોલેજિયમ પર દોષનો ટોપલો ઢોળવો એ આજકાલની એક ફેશન બની ગઈ છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે સરકારની 'પસંદગીપૂર્વકની નીતિ' (Selective Approach) સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે જ્યારે પણ કોલેજિયમ નામોની પેનલ મોકલે છે, ત્યારે કારોબારી પોતાની મરજી મુજબ અમુક નામો સ્વીકારે છે અને અમુક નામો કારણ વગર રોકી રાખે છે. કોલેજિયમ કોઈ બંધારણીય સંકટ ઊભું ન થાય અને ન્યાયિક વ્યવસ્થા સરળતાથી ચાલતી રહે તે માટે સરકાર સાથે સીધા સંઘર્ષમાં ઉતરવાનું ટાળે છે. કોઈ પણ માનવ નિર્મિત સિસ્ટમ શતપ્રતિશત ભૂલરહિત હોઈ શકતી નથી અને માનવ નિર્ણયોમાં અપવાદરૂપ ભૂલો થઈ શકે છે, પરંતુ તે અતિશય દુર્લભ છે. સરકાર દ્વારા કોલેજિયમમાં બહારના વ્યક્તિને સામેલ કરવાની માંગણી માત્ર ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અંકુશ મેળવવાનો અને પોતાની બેદરકારી છુપાવવાનો જ નબળો પ્રયાસ છે.

(12:41 AM IST)