News of Thursday, 16th July 2026
રંગીન પાપડ અને ફ્રાયમ્સ બાળકો માટે બની શકે છે ‘જીવલેણ’: તમિલનાડુ સરકારની ગંભીર ચેતવણી, ખાવાથી કેન્સર અને કિડની ફેલ થવાનું મોટું જોખમ
આકર્ષક કલરવાળા અપ્પલમથી દૂર રહેવા ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ; બજારો, મેળાઓ અને પ્રવાસન સ્થળોએ વેચાતા કેમિકલયુક્ત પાપડ પાચનતંત્રને કરી નાખશે બરબાદ

ચેન્નાઈ : જો તમે પણ બજાર કે મોલમાંથી માત્ર તેના આકર્ષક અને ભડકદાર રંગો જોઈને પાપડ કે ફ્રાયમ્સ (ભૂંગળા-બટાકાની ચિપ્સ) ખરીદી રહ્યા છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આ સુંદર દેખાતા રંગીન પાપડ તમારા અને ખાસ કરીને તમારા બાળકો માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. તમિલનાડુ સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ (ખોરાક સુરક્ષા વિભાગ) દ્વારા આજે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર અને ચોંકાવનારી એડવાઇઝરી જાહેર કરીને જનતાને ચેતવવામાં આવી છે.
સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "બાળકોને તેજસ્વી અને વાઇબ્રન્ટ રંગના અપ્પલમ (પાપડ) બિલકુલ ખરીદીને આપશો નહીં, તે તેમના જીવન માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે." તમિલનાડુ સરકારે સ્થાનિક બજારો, મેળાઓ, પ્રદર્શનો અને પર્યટન સ્થળો પર આવા કેમિકલયુક્ત રંગીન પાપડના વેચાણ પર કડક રોક લગાવવાની દિશામાં પગલાં શરૂ કર્યા છે.
કેન્સરથી લઈને કિડની ડેમેજ સુધીના ગંભીર રોગોનો ખતરો
દક્ષિણ ભારતમાં 'અપ્પલમ' તરીકે ઓળખાતા આ પાપડ સામાન્ય રીતે ચોખા અથવા મસૂરના લોટમાંથી બને છે, જ્યારે ફ્રાયમ્સ બટાકાના સ્ટાર્ચ કે સાબુદાણાના લોટમાંથી તૈયાર થાય છે. આ લોટના મિશ્રણમાં પાપડને આકર્ષક બનાવવા માટે બિનઆરોગ્યપ્રદ અને કેમિકલયુક્ત કલર્સ ઉમેરવામાં આવે છે.
ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા અનુસાર, આવા કેમિકલવાળા રંગીન પાપડનું વારંવાર સેવન કરવાથી સ્વાસ્થ્યને નીચે મુજબના ગંભીર નુકસાન થઈ શકે છે:
· અંગોને નુકસાન: આ પાપડ શરીરમાં ધીમા ઝેર સમાન કામ કરે છે, જેનાથી પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ અને કિડનીને કાયમી નુકસાન (કિડની ફેલિયર) થઈ શકે છે.
· કેન્સરનું જોખમ: આમાં વપરાતા પ્રતિબંધિત કૃત્રિમ રંગોને કારણે શરીરમાં કેન્સરની ગાંઠ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
· બાળકો પર અસર: આ રંગો બાળકોમાં ત્વચા અને શ્વાસની એલર્જી પેદા કરે છે. આ ઉપરાંત, તે બાળકોની માનસિક ક્ષમતા પર પણ અસર કરે છે, જેનાથી તેમનામાં એકાગ્રતાનો ભારે અભાવ (Lack of Concentration) જોવા મળે છે.
સુરક્ષિત વિકલ્પ: પરંપરાગત પાપડ જ ઉત્તમ
તમિલનાડુ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે નાગરિકોને અપીલ કરી છે કે કૃત્રિમ રંગોવાળા ચિપ્સ અને પાપડના સ્થાને ઘરમાં પરંપરાગત પદ્ધતિથી બનેલા સાદા પાપડ જ ખાવા જોઈએ. અડદની દાળ, કાળા ચણા કે શુદ્ધ ચોખાના લોટમાંથી બનેલા સફેદ કે કુદરતી રંગના પાપડ જ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત અને ફાયદાકારક છે. બજારની ચમકદમક જોઈને બીમારીઓ વહોરવાનું ટાળવું જોઈએ.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
