તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Monday, 9th November 2026
"કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે": પાસમંદા મુસ્લિમ સમાજના ઉપાધ્યક્ષ વસીમ રૈનનો આકરો પ્રહાર
સોનિયા ગાંધીના બાબરી મસ્જિદ અંગેના નિવેદનને મગરના આંસુ ગણાવી પાસમંદા સમુદાયે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર વોટબેંકના રાજકારણનો મૂક્યો ગંભીર આરોપ

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા પાસમંદા મુસ્લિમ સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસીમ રૈને સોનિયા ગાંધી દ્વારા બાબરી મસ્જિદના ધ્વંસ અંગે આપવામાં આવેલા નિવેદનની આકરી ટીકા કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામે વિરોધનો સૂર ઉચ્ચાર્યો છે. વસીમ રૈને તીખી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ૩૨ વર્ષ પછી સોનિયા ગાંધીને બાબરી મસ્જિદ યાદ આવી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસના શાસન દરમિયાન જ મુસ્લિમોને રમખાણોની આગમાં ધકેલવામાં આવ્યા હતા અને કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે. તેમણે ઉમેર્યું કે બાબરી મસ્જિદનું તાળું ખોલવાથી લઈને ત્યાં મૂર્તિઓ મૂકવા સુધીની ઘટનાઓ કોંગ્રેસના શાસનમાં જ બની હતી અને હવે મુસ્લિમોનો સાથ છૂટી રહ્યો હોવાથી કોંગ્રેસ રાજકીય બેચેનીમાં મગરના આંસુ વહાવી રહી છે.
પાસમંદા નેતાએ ૧૯૫૦ ની કલમ ૩૪૧ નો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમોની સ્થિતિ દલિતો કરતા પણ ખરાબ બનાવી દીધી હતી અને ધર્મના આધારે મુસ્લિમ ધોબી જેવા અનેક વર્ગોને દલિત અનામતમાંથી બાકાત રાખી તેમને આઈએએસ, પીસીએસ કે એન્જિનિયર બનવાની તકોથી વંચિત રાખ્યા હતા. આ સાથે જ તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની અયોધ્યા મુલાકાત અને તેમની નીતિઓ પર પણ પ્રહારો કરતા કહ્યું કે સપાએ મુસ્લિમોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે અને ૮૫ ટકા વસ્તી ધરાવતા પાસમંદા મુસ્લિમોને સંગઠન, રાજ્યસભા કે ટિકિટ વિતરણમાં યોગ્ય હિસ્સો આપ્યો નથી. બીજી તરફ, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા કહ્યું કે આઝાદી પછી પહેલીવાર પીએમ મોદીએ પાસમંદા મુસ્લિમોના ઉત્થાનની વાત કરી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત તેમજ રાશન વિતરણ જેવી સરકારી યોજનાઓનો લાભ ધર્મના ભેદભાવ વગર દરેક સુધી પહોંચી રહ્યો છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા વસીમ રૈને સ્પષ્ટ કર્યું હતું કે રામ મંદિરનું નિર્માણ દેશની સર્વોચ્ચ અદાલતના આદેશથી થયું છે અને તેઓ બંધારણ તેમજ કાનૂની વ્યવસ્થાનું સંપૂર્ણ સન્માન કરે છે. તેમણે જણાવ્યું કે ઇસ્લામ પણ જે તે દેશના કાયદા અને સિસ્ટમનો આદર કરવાનું શીખવે છે, તેથી કોર્ટના નિર્ણયને ન સ્વીકારવો અયોગ્ય છે અને તેઓ દેશના સંવિધાનિક નિર્ણયનું સ્વાગત કરે છે.
આ નિવેદન બાદ દેશના રાજકારણમાં પાસમંદા મુસ્લિમોના હકો અને રાજકીય ભાગીદારીને લઈને નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. વસીમ રૈને સ્પષ્ટ ચીમકી આપી છે કે પાસમંદા સમુદાય હવે કોઈ પક્ષનો બંધાયેલો મતદાર નથી અને ૨૦૨૭ ની આગામી વિધાનસભા ચૂંટણીમાં આ ૮૫ ટકા વસ્તી ધરાવતો સમાજ તેને જ ટેકો આપશે જે તેમને સત્તા અને રાજકારણમાં વાસ્તવિક ભાગીદારી આપશે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
