News of Friday, 5th June 2026
કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકોઃ મનગમતું મંત્રાલય ન મળતા સિનિયર નેતા રામલિંગા રેડ્ડીનું રાજીનામું
શપથગ્રહણના ગણતરીના દિવસોમાં જ ડી.કે. શિવકુમારની ખુરશી ડગમગી!

બેંગલુરુ, તા.૫: કર્ણાટકમાં સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને મોટો રાજકીય ફટકો પડ્યો છે. કેબિનેટમાં ખાતાઓની ફાળવણી થતાંની સાથે જ પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. હજુ તો નવી સરકારની રચનાને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી રામલિંગા રેડ્ડીએ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મીડિયાની સામે જ મંત્રી પદેથી રાજીનામું ધરી દઈને હડકંપ મચાવી દીધો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની રાજ્યમાં હાજરી વચ્ચે જ સર્જાયેલા આ રાજકીય ભૂકંપથી શિવકુમાર સરકારમાં મોટી તિરાડ પડી ગઈ છે.
આ આખી નારાજગી પાછળ પાવરફુલ ગણાતા બેંગલુરુ વિકાસ વિભાગની ખેંચતાણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૩થી રામલિંગા રેડ્ડીને આ મહત્વનો વિભાગ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જોકે, મુખ્યમંત્રી શિવકુમારે આ પ્રભાવશાળી ખાતું કળષ્ણ બાયરે ગૌડાને સોંપી દીધું અને રેડ્ડીને મુખ્ય તથા મધ્યમ સિંચાઈ વિભાગ ફાળવતા તેઓ ભારોભાર નારાજ થયા હતા. બેંગલુરુના બીટીએમ લેઆઉટથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને ગળહ તથા પરિવહન જેવા ભારેખમ વિભાગો સંભાળવાનો દાયકાઓનો અનુભવ ધરાવતા રેડ્ડીએ આ ફાળવણીને પોતાનું અપમાન ગણાવીને બળવાનું બ્યુગલ ફૂંકી દીધું છે.
જોકે, મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ રામલિંગા રેડ્ડીએ પક્ષ પ્રત્યેની વફાદારી જાહેર કરીને સસ્પેન્સ અકબંધ રાખ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, હું છેલ્લા ૫૩ વર્ષથી કોંગ્રેસમાં છું અને મેં કયારેય પદની ભીખ માંગી નથી, હું પાર્ટીમાં જ છું અને સંગઠન છોડ્યું નથી. વાસ્તવમાં, અગાઉ ડેપ્યુટી સીએમ પદે રહીને શિવકુમારે પોતે આ વિભાગ સંભાળ્યો હતો, પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ નાણા વિભાગ પોતાની પાસે રાખીને બેંગલુરુ વિકાસ વિભાગનું પુનઃવિતરણ કરતાં જ આખી બાજી બગડી છે. હાઈકમાન્ડની હાજરીમાં જ સર્જાયેલી આ કટોકટી હવે શિવકુમાર માટે ડેમેજ કંટ્રોલનો મોટો પડકાર બની ગઈ છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
