તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
Metaની હૈદરાબાદ ઓફિસમાં કોંગ્રેસ કાર્યકરોની તોડફોડ : 7 દિવસનું અલ્ટીમેટમ : મુંબઈમાં પણ હોબાળો
યુથ કોંગ્રેસના નેતાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાતા વિવાદ વકર્યો : હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં એક સાથે વિરોધ, ભાજપે કોંગ્રેસને ગણાવી ગુંડાઓની પાર્ટી

નવી દિલ્હી તા.૨૧ : ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધ હવે ઉગ્ર બન્યો છે. શુક્રવારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં મેટાની ઓફિસોની બહાર અને અંદર જઈને જોરદાર હોબાળો મચાવ્યો હતો. હૈદરાબાદમાં કાર્યકરોએ ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ યુથ કોંગ્રેસે મેટાને 7 દિવસનું અલ્ટીમેટમ આપી દીધું છે.
હૈદરાબાદમાં તેલંગાણા યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જક્કીડી શિવચરણ રેડ્ડીના નેતૃત્વમાં કાર્યકરો મેટાની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરો ઓફિસના કોરિડોર અને કેફેટેરિયા સુધી પહોંચી ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કાર્યકરો ગમલા ઉઠાવીને ફેંકતા અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા. મેટા ડાઉન ડાઉનના નારા લગાવીને કાર્યકરો થોડીવાર ધરણા પર પણ બેસી ગયા હતા. પોલીસે આશરે 20 થી 21 કાર્યકરોને અટકાયતમાં લીધા હતા અને લગભગ ત્રણ કલાક બાદ છોડી મૂક્યા હતા.
મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના વર્લ્ડ વનમાં આવેલી મેટા ઓફિસની બહાર વિરોધ કર્યો હતો. મુંબઈ યુથ કોંગ્રેસ અધ્યક્ષ ઝીનત શાબરીનના નેતૃત્વમાં કાર્યકરોએ મેટા પર ભાજપ અને આરએસએસનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું પોસ્ટર પણ સળગાવ્યું હતું અને ઓફિસની દીવાલ પર સ્પ્રે પેઇન્ટથી મેટા વિરોધી નારા લખ્યા હતા. ગુરુગ્રામમાં વિરોધ પ્રમાણમાં શાંતિપૂર્ણ રહ્યો હતો, જ્યાં કાર્યકરોએ બેનર સાથે નારેબાજી કરી હતી.
યુથ કોંગ્રેસનો આરોપ છે કે 19 નવેમ્બરે મેટાએ તેના બે મોટા નેતાઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ખોટી રીતે રોકી દીધા હતા. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ અને રાષ્ટ્રીય પ્રભારી મનીષ શર્માના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો હતો. યુથ કોંગ્રેસનું કહેવું છે કે આ કાર્યવાહી ભાજપના ઈશારે કરવામાં આવી છે. યુથ કોંગ્રેસે દાવો કર્યો છે કે ઓફિસમાં વિરોધ બાદ 15 મિનિટમાં જ બંને નેતાઓના એકાઉન્ટ ફરી શરૂ થઈ ગયા હતા.
વિરોધ બાદ યુથ કોંગ્રેસે મેટાને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. યુથ કોંગ્રેસની 4 મુખ્ય માંગ છે. છેલ્લા છ મહિનામાં સરકારી આદેશ પર કેટલા ભારતીય એકાઉન્ટ રોકવામાં આવ્યા અને કેટલા હજુ બંધ છે તેની વિગતો આપવી, રાહુલ ગાંધીનું નામ લેતી કે મોદી અને ભાજપની ટીકા કરતી પોસ્ટ ઓટોમેટિક રીતે બ્લોક થવા અંગે ખુલાસો આપવો, વિપક્ષી નેતાઓ, પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ પરના તમામ પ્રતિબંધો હટાવવા અને ભાજપના રાજકીય આદેશને બદલે બંધારણ મુજબ કામ કરવું. યુથ કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં માંગ નહીં સંતોષાય તો આંદોલન કોર્ટ, રસ્તા અને ઓફિસો સુધી પહોંચશે.
આ મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું છે કે યુથ કોંગ્રેસના ગુંડાઓએ હૈદરાબાદમાં મેટા ઓફિસમાં તોડફોડ કરી છે અને તેને સોશિયલ મીડિયા પર બતાવી પણ રહ્યા છે. તેમણે કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી ગણાવી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ મેટા પર પ્રહાર કર્યા છે. હાલ આ મામલો વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
