<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

મરજીથી સેક્‍સ વર્ક ગુનો નથીઃ પોલીસ તેમની અટકાયત ન કરી શકેઃ સુપ્રીમ

કૂટણખાનું પકડાય ત્‍યારે સેક્‍સ વર્કર્સને પરેશાન ન કરી શકો : સંમતિથી સેક્‍સ વર્ક સાથે જોડાયેલને પરાણે પકડીને પુનર્વસનમાં જોડી ના શકો, તેમાં પણ તેની મરજી જરૂરી

નવી દિલ્‍હી,તા.૨: સુપ્રિમ કોર્ટે મરજીથી સેક્‍સ વર્કને લઈને કેટલીક કાયદાકીય સ્‍પષ્ટતા કરી છે સાથે જ દેશભરની પોલીસને પણ મહત્‍વની ટકોર કરી સલાહ આપી છે. સુપ્રીમે કહ્યું છે કે મરજીથી સેક્‍સ વર્ક કરવું કોઈ ગુનો નથી, તેથી સંમતિથી કરાયેલ સેક્‍સ વર્કને ગુનાની કેટેગરીમાં ના રાખી શકાય. અને તેથી આવી મહિલાઓની ધરપકડ કે અટકાયત કરીને પરેશાન કરવાની કોઈ જ જરૂર નથી.

ઈમોરલ ટ્રાફિક એક્‍ટ આઇટીપીએ પોલીસને કોઈ સંમતિથી સેક્‍સ વર્કમાં  સંકળાયેલ હોય તો તેની સામે કાર્યવાહીની પોલીસને સત્તા નથી આપતો, કેમ કે સંમતિથી સેક્‍સ વર્ક ખુદમાં જ કોઈ ગુનો નથી. જોકે સાથે જ સુપ્રીમે એવી પણ સ્‍પષ્ટતા કરી હતી કે કૂટણખાનું ચલાવવું ગેરકાયદે છે, અને જો કોઈ કૂટણખાનું પકડાય કે દરોડા પડાય તે દરમિયાન ત્‍યાં સંમિતીથી સેક્‍સ વર્કર્સ પણ હોય તો તેવી મહિલાઓને કસ્‍ટડીમાં ના લઈ શકો કે તેને પરેશાન ના કરી શકો આ કડક આદેશો સુપ્રીમ કોર્ટે પોલીસ સહિતના પ્રશાસનને આપ્‍યા છે.

ખાસ કરીને પોલીસનો ઉલ્‍લેખ કરીને સુપ્રીમના ન્‍યાયાધીશ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેંચે કહ્યું હતું કે પુખ્‍ત વયના સંમતિથી સેક્‍સ વર્કમાં સામેલ હોય તો તેવા મામલાઓમાં પોલીસે આવા લોકોને પરેશાન કરવાથી દૂર રહેવું જોઈએ. સરળ ભાષામાં સ્‍પષ્ટ કરીએ છીએ કે આવા મામલામાં સંમતિથી જ સેક્‍સ વર્કમાં સામેલ હોવાથી તેમને રેસ્‍ક્‍યુ કરવાનો સવાલ જ, પેદા નથી થતો. આ સાથે જ સુપ્રીમે એવી પણ સ્‍પષ્ટતા કરી છે કે સંમતિથી સેક્‍સ  વર્કમાં સામેલ મહિલાને બળજબરીથી કે તેની મરજી વિરુદ્ધમાં જઈને પુનર્વસન પ્રક્રિયામાં સામેલ ના કરી શકો. પુનર્વસન માટે પણ તેમની સંમતિ જરૂરી છે. તેને સાથ સહકાર કે મદદરૂપ જરૂર થઈ શકાય પણ તેના પર પુનવર્સન પ્રક્રિયા થોપી ના શકાય.

(10:19 AM IST)