<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

GST નંબર લેવા હવેથી બાયોમેટ્રિક ઓથેન્‍ટિફિકેશન લાવવા વિચારણા

બોગસ બિલિંગના કેસમાં વધારો થવાના કારણે કાઉન્‍સિલમાં થનારો નિર્ણય

મુંબઇ તા.૧૯: જીએસટી લાગુ થયા બાદ અનેક પ્રયાસો છતાં બોગસ બિલિગના કેસ બંધ થઈ શક્‍યા નથી. હાલમાં જ સુરતમાં ૨ હજાર કરોડથી વધુની આઇટીસી લેવામાં આવી હોવાનું બહાર આવ્‍યું હતું. જોકે તે કંપની મણિપુરની હતી. આવા અનેક કિસ્‍સા સમયાંતરે બહાર આવતા હોવાના કારણે હવેથી જીએસટી નંબર આપતા પહેલા બાયોમેટ્રિક ઓથેન્‍ટિફિકેશન ફરજિયાત કરવાનો નિયમ લાવવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ આગામી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવ્‍યા બાદ નિયમ લાગુ કરવામાં આવે તેવી શક્‍યતા જાણકારોએ વ્‍યકત કરી છે.

જીએસટી નંબર ઝડપથી મળી રહે તેવા આશયથી અનેક નિર્ણય કરવામાં આવ્‍યા છે. તેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ  લિંક હોય તો એક જ દિવસમાં જીએસટી નંબર આપી દેવામાં આવે છે. ત્‍યારબાદ સ્‍થળ તપાસ કરવામાં આવતી હોય છે.

જોકે તેના માટે મહિનાનું ટર્નઓવર ૨.૫૦ લાખથી ઓછું હોવું જરૂરી છે. સાથે સાથે કેટલીય કાગળ પર જ વેપલો કરતી પેઢીઓના નામે પણ જીએસટી નંબર કાર્યરત જ છે. પરંતુ હવેથી નવા જીએસટી નંબર આપવામાં ખાસ તકેદારી રાખવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. તેમાં નંબર લેનારે ફરજિયાત જીએસટી કચેરી જઈને બાયોમેટ્રિક કરાવવું પડશે, ત્‍યારબાદ જ તેને નવો નંબર આપવામાં આવનાર છે.(૩૮.૧૦)

સામાન્‍ય અને ગરીબ લોકોના નામે લેવાતો જીએસટી નંબર

બોગસ બિલિગના કેસમાં મુખ્‍ય સુત્રધાર સુધી પહોંચવામાં વિભાગને રીતસરના ફાંફા પડી જાય છે. તેમાં એવી હકીકતો બહાર આવતી હોય છે કે કેટલાક લોકો રિક્ષાચાલક, ઝંપડાવાળા કે પછી લારીવાળા સામાન્‍ય અને ગરીબ લોકોના નામે જીએસટી નંબર લઇને પેઢી બનાવી દેતા હોય છે. આ પેઢીમાં કાગળ પર જ વેપલો કરવામાં આવતો હોય છે. તેમાં કરોડો રૂપિયાનો વ્‍યવહાર કરીને સરકારને ચૂનો ચોપડવામાં આવતો હોય છે. જ્‍યારે વિભાગ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી શરૂ કરે ત્‍યારે તેઓ પાસેથી વસુલાત થઇ શકતી નથી. આ કારણોસર હવેથી જીએસટી નંબર લેનારાઓના બાયોમેટ્રિક ઓથેન્‍ટિફિકેશન કરવામાં આવનાર છે.

(10:25 AM IST)