News of Saturday, 21st November 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં વિવાદ વકર્યો : ‘પટિયાલા પેગ’ સહિતના વિવાદિત ગીતો ગાઈને ટીકાકારોને આપ્યો વળતો જવાબ : જુઓ વિડીયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પ્રોફેસરના વાંધા છતાં સ્ટેજ પર ‘ચાર પેગ’ અને ‘જેબ વિચ અફીમ લભિયા’ જેવા ગીતો રજૂ કર્યા : વિદેશી કલાકારો સાથેના ભેદભાવ સામે સવાલ ઉઠાવી દિલજીતે કહ્યું કે "મને જેટલો છંછેડશો, તેટલો જ હું ટ્રેન્ડ કરીશ"

અમદાવાદ: ગુજરાતના અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને સર્જાયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. કોન્સર્ટ અગાઉ જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU) થી લઈને એક પ્રોફેસર સુધીના લોકોએ તેમના કેટલાક ગીતો અને પરફોર્મન્સની રીત સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, સ્ટેજ પર આવતાની સાથે જ દિલજીત દોસાંજે પોતાના અંદાજમાં ટીકાકારોને જવાબ આપ્યો હતો અને જે ગીતો પર પ્રતિબંધ કે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, તે જ ગીતો ગાઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વિવાદિત ગીતોથી શરૂઆત અને વિદેશી કલાકારો સાથે સરખામણી:
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શોની શરૂઆત કરતા જ દિલજીત દોસાંજે ‘ચાર પેગ’ ગીત ગાયું હતું. ત્યારબાદ તેમણે વિદેશી અને ભારતીય કલાકારો સાથે થતા વ્યવહાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોલ્ડપ્લે (Coldplay) ના વિદેશી કલાકારો ‘ડ્રંક એન્ડ હાઈ’ ગાય છે ત્યારે કોઈને તકલીફ પડતી નથી, પરંતુ તેમના ગીતો સામે સવાલો ઊભા કરવામાં આવે છે. દિલજીતે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે મારો જન્મ અહીં જ થયો છે, હું કોન્સર્ટ કરું છું, ટેક્સ ભરું છું અને ચાલ્યો જાઉં છું, મને ન છંછેડો, જેટલો છંછેડશો તેટલો જ હું ટ્રેન્ડ કરીશ અને જવાબ આપીશ. આ દરમિયાન તેમણે પંજાબીમાં એક શેર પણ સંભળાવ્યો હતો, જેનો અર્થ એવો થતો હતો કે જે થવાનું છે તે થઈને જ રહેશે અને તેને કોઈ રોકી શકશે નહીં.
બાળકોની હાજરી મુદ્દે સ્પષ્ટતા અને વાંધાજનક ગીતોની રજૂઆત:
કોન્સર્ટ દરમિયાન એક બાળક સાથે વાતચીત કરતા દિલજીતે બાળકોને સ્ટેજ પર બોલાવવા અને શોમાં તેમની હાજરી અંગે ઉઠેલા વાંધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બાળકોને પોતાના ઘરેથી લઈને આવતા નથી, પરંતુ તેમના માતા-પિતા જ તેમને કોન્સર્ટમાં લઈને આવે છે. ત્યારબાદ તેમણે ‘જેબ વિચ અફીમ લભિયા’ અને ‘પટિયાલા પેગ’ જેવા ગીતો રજૂ કર્યા હતા, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો.
જિલ્લા બાળ સુરક્ષા એકમે પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો:
કોન્સર્ટ પૂર્વે જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU) દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને દિલજીતના શોમાં દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની માંગ કરવામાં આવી હતી. આ પત્રમાં ‘પટિયાલા પેગ’, ‘૫ તારા ઠેકે’, ‘જેબ વિચો ફીમ લબ્બિયા’ અને ‘જટ્ટ ઉઠે ફાયર કરદા જિત્થે પાબંદી હથિયારાં દી’ જેવા ગીતોનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત બાળકોને સ્ટેજ પર ન બોલાવવા, પરફોર્મન્સ દરમિયાન બુલેટ બેલ્ટ ન પહેરવા તેમજ ૧૨૦ ડેસિબલથી વધુના તીવ્ર અવાજ અને ફ્લેશિંગ લાઈટ્સથી બાળકોના સ્વાસ્થ્ય પર પડનારી સંભવિત અસરો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
