<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સીબીઆઈ વડાની વરણીમાં ઘમાસાણઃ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી લોકશાહીના ચીરહરણનો આરોપ લગાવ્‍યો

વિપક્ષના નેતા ‘રબર સ્‍ટેમ્‍પ' નથીઃ ઉમેદવારોના રિપોર્ટ છુપાવીને સરકાર પોતાની પસંદગીના અધિકારીને બેસાડવા માંગતી હોવાનો દાવો

નવી દિલ્‍હી, તા.૧૩: CBI ના નવા ડિરેક્‍ટરની પસંદગી પ્રક્રિયા હવે રાજકીય જંગનું મેદાન બની ગઈ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને એક કડક પત્ર લખીને આખી પ્રક્રિયાને ‘પક્ષપાતી' અને ‘તૈયાર કરેલો ખેલ' ગણાવી છે. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે વિપક્ષના નેતા માત્ર મંજૂરીની મહોર મારવા માટેના ‘રબર સ્‍ટેમ્‍પ' નથી. રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે સરકાર પારદર્શિતાના ધજાગરા ઉડાવીને સંસ્‍થાકીય સ્‍વાયત્તતાનો અંત લાવી રહી છે.

રાહુલ ગાંધીએ પત્રમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે વારંવારની માંગણી છતાં તેમને લાયક ઉમેદવારોના ‘સ્‍વ-મૂલ્‍યાંકન અહેવાલ' કે ‘૩૬૦-ડિગ્રી રિપોર્ટ' આપવામાં આવ્‍યા નથી. સીબીઆઈ વડા જેવા સંવેદનશીલ પદ માટે ઉમેદવારના કામનો ઇતિહાસ જાણવો જરૂરી છે, પરંતુ સમિતિની બેઠકમાં છેલ્લી ઘડીએ અધૂરી માહિતી આપીને વિપક્ષને અંધારામાં રાખવામાં આવ્‍યો હતો. તેમણે દાવો કર્યો કે માહિતી છુપાવવી એ સાબિત કરે છે કે સરકારે પહેલેથી જ પોતાના કોઈ ખાસ વ્‍યક્‍તિનું નામ નક્કી કરી લીધું છે અને આ બેઠક માત્ર એક ઔપચારિકતા છે.

પોતાના આકરા વલણને વાજબી ઠેરવતા કોંગ્રેસ નેતાએ યાદ અપાવ્‍યું કે તેમણે અગાઉ મે અને ઓક્‍ટોબર ૨૦૨૫માં પણ પત્ર લખીને ન્‍યાયી પ્રક્રિયા માટે સૂચનો આપ્‍યા હતા, જેનો સરકારે કોઈ જવાબ આપ્‍યો નથી. તેમણે આરોપ લગાવ્‍યો કે સીબીઆઈનો ઉપયોગ પત્રકારો, ટીકાકારો અને રાજકીય વિરોધીઓને દબાવવા માટે થઈ રહ્યો છે. આ ‘પક્ષપાતી પ્રક્રિયા' સામે સખત વિરોધ નોંધાવતા તેમણે પીએમ મોદીને જણાવ્‍યું કે તેઓ બંધારણીય ફરજ નિભાવવામાં બાંધછોડ નહીં કરે અને આવી જોહુકમી સામે મૌન નહીં રહે

(1:19 PM IST)