<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ઈન્‍સ્‍ટાગ્રામ પર બાળ શોષણની જાહેરખબરોથી વિવાદઃ કેન્‍દ્ર સરકાર મેટા પાસે જવાબ માગશે

બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી માત્ર રૂ.૯૯માં વેચાતી હોવાના અહેવાલથી ખળભળાટ

નવી દિલ્‍હી,તા.૦૪: કેન્‍દ્રીય આઈટી મંત્રાલય દ્વારા ઈન્‍સ્‍ટાગ્રામ પર બાળકોના જાતીય શોષણથી સંબંધિત સામગ્રીને પ્રોત્‍સાહન આપતી જાહેરખબરો સંદર્ભે 'મેટા' કંપનીને સમન્‍સ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઈન્‍સ્‍ટાગ્રામ પર આવી જાહેરખબરો કેવી રીતે પ્રસારિત થઈ અને તેને રોકવા માટે પ્‍લેટફોર્મ તરફથી શું પગલાં લેવામાં આવ્‍યા છે તે અંગે આઈટી મંત્રાલય દ્વારા મેટાને સવાલ પૂછવામાં આવશે.

કેન્‍દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્‍ણવે કહ્યું કે, બાળકોની સુરક્ષા સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની વાંધાજનક અથવા ગેરકાયદેસર સામગ્રીને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. ઉલ્‍લેખનીય છે કે, એક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે ઈન્‍સ્‍ટાગ્રામ પર 'ચાઈલ્‍ડ સેક્‍સ્‍યુઅલ એબ્‍યુઝ મટીરીયલ' (બાળકોના જાતીય શોષણની સામગ્રી) પ્રસારિત થઈ રહી છે. આ પ્રકારની જાહેરખબરો પર ક્‍લિક કર્યા પછી યુઝર્સને ટેલિગ્રામ ચેનલો પર મોકલવામાં આવતા હતા, જ્‍યાં કથિત રીતે બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી ફક્‍ત ૯૯ રૂપિયામાં વેચાઈ રહી હતી.

આ મામલામાં મેટાએ એ પણ સ્‍વીકાર્યું કે કોઈપણ મોડરેશન સિસ્‍ટમ સંપૂર્ણપણે પરફેક્‍ટ નથી હોતી અને રિવ્‍યુ પ્રોસેસ દરેક નિયમ ઉલ્‍લંઘનની ઓળખ કરી શકતી નથી. આ પહેલા કેન્‍દ્ર સરકારે પાંચ ઓનલાઈન સ્‍ટ્રીમિગ પ્‍લેટફોર્મ (ઓટીટી) ને બ્‍લોક કર્યા હતા. આ પ્‍લેટફોર્મ પર અશ્‍લીલ અને વાંધાજનક સામગ્રી મૂકાઈ હતી.

(10:09 AM IST)