News of Monday, 20th July 2026
નીટ પરીક્ષાની ગેરરીતિઓ મુદ્દે જંતર-મંતર પર ભારે ભીડ: વિદ્યાર્થીઓની સંસદ કૂચ, પોલીસ એલર્ટ મોડમાં

નીટ (NEET) પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે આજે દિલ્હીના જંતર-મંતર ખાતે સવારથી જ પ્રદર્શનકારીઓની ભારે ભીડ ઉમટી પડી છે. સીજેપી પાર્ટી અને અન્ય સંગઠનોના સમર્થનથી યોજાઈ રહેલા આ વિરોધ પ્રદર્શનમાં આજે સંસદ તરફ કૂચ કરવામાં આવી રહી છે, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ માં થયેલી ગેરરીતિઓ અને કથિત પેપર લીક કાંડના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આજે દિલ્હીમાં મોટું આંદોલન છેડવામાં આવ્યું છે. આ આંદોલનને સોનમ વાંગચુક સહિતના વિવિધ આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે અને તેઓ પણ આ ન્યાયની લડતમાં જોડાયા છે. ૨૦ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા સોનમ વાંગચૂકને સત્તાધીશોએ ધરાર હોસ્પિટલમાં દાખલ કરી દીધા છે.
દેખાવો ના ભાગરૂપે આજે સંસદ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સવારે ૬:૩૦ વાગ્યાથી જ જંતર-મંતર પર પ્રદર્શનકારીઓની ભારે ભીડ એકઠી થવા લાગી હતી. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે દિલ્હી પોલીસે ચારે બાજુ બેરિકેડ લગાવી દીધા છે અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
વિરોધ પ્રદર્શન અંગે આ આંદોલનના એક આગેવાન સૌરભ દાસે પોતાની એક પોસ્ટમાં જણાવ્યું છે કે, સવારે ૬:૩૦ વાગ્યે જંતર-મંતર પર મોટી ભીડ એકઠી થઈ છે. તેમણે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરતા લખ્યું છે કે, "આપણે ગાંધીવાદી છીએ અને આપણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. અસામાજિક તત્વોથી સાવધ રહો અને પોલીસ પ્રત્યે આક્રમક ન બનો. માત્ર આપણી માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો." આ વિશાળ સંસદ કૂચ અને વ્યાપક વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
