News of Saturday, 16th May 2026
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ‘રમશે બાળક ખીલશે બાળક’ અભિયાનના ઇન્ચાર્જ અને કોર્પોરેટરો સાથે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનો સંવાદ : આંગણવાડીનું એકપણ બાળક રમકડાંથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા આગ્રહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી અને વેજલપુરના નગરસેવકો સાથે યોજાઈ શુભેચ્છા મુલાકાત : કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા ગૃહમંત્રીનું આહવાન

ગાંધીનગર : ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત "રમશે બાળક ખીલશે બાળક" અભિયાનના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તેમજ ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી અને વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે શુભેચ્છા મુલાકાત કરી વિસ્તૃત સંવાદ સાધ્યો હતો.
‘રમશે બાળક ખીલશે બાળક’ અભિયાનમાં લોક ભાગીદારી વધારવા માર્ગદર્શન:
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલતા "રમશે બાળક ખીલશે બાળક" અભિયાનના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી. આ સેવાકીય અભિયાનને સમગ્ર સંસદીય ક્ષેત્રના છેવાડાના વિસ્તારો સુધી વધુ વ્યાપક અને ઘનિષ્ઠ બનાવવા તેમજ તેમાં સામાન્ય જનતાની ભાગીદારી (લોક ભાગીદારી) વધારવા માટે જરૂરી સંગઠનાત્મક માર્ગદર્શન આપી ઉપયોગી સૂચનો કર્યા હતા. તેમણે ખાસ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્રની કોઈપણ આંગણવાડીમાં આવતું એક પણ બાળક રમકડાંથી વંચિત ન રહે તે વહીવટી તંત્ર અને સંગઠને ખાસ સુનિશ્ચિત કરવું પડશે.
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજા કલ્યાણ માટે અહર્નિશ પ્રતિબદ્ધ રહેવા હિમાયત:
અમિતભાઈ શાહે ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાંથી એએમસીમાં ચૂંટાઈ આવેલા તમામ નવા કોર્પોરેટરોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નગરસેવકોને પ્રજાના સેવક તરીકે નાગરિકોની સેવા અને કલ્યાણના કાર્યો કરવા માટે અહર્નિશ પ્રતિબદ્ધ રહેવા હિમાયત કરી હતી. સંવાદ દરમિયાન તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ટ્રાન્સફોર્મ, પર્ફોર્મ અને રિફોર્મની રાષ્ટ્રવાદી નીતિ સાથે દેશના સામાન્ય નાગરિકોની સુખાકારી અને જીવનધોરણને ઉત્કૃષ્ટ બનાવવા માટે અનેક ઐતિહાસિક પહેલ કરી છે.
સરકારની યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા નગરસેવકોને આહવાન:
વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતની ભાજપા સરકારે પણ સમાજના ગરીબ અને વંચિત વર્ગો માટે લોક કલ્યાણકારી અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ તમામ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષાની યોજનાઓનો લાભ મતવિસ્તારના પ્રત્યેક જરૂરિયાતમંદ નાગરિક સુધી પહોંચે તે માટે તેમણે દરેક નગરસેવકોને સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું. ચૂંટાયેલા તમામ કાઉન્સિલરો જનતાની અપેક્ષાઓ પર સંપૂર્ણ ખરા ઉતરીને સમર્પણ, સતત સંવાદ અને સેવા ભાવ સાથે કાર્ય કરશે તથા પોતાના વિસ્તારના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ પણ અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો. આ બેઠકની તમામ વિગતો મીડિયા પ્રભારી ડૉ. બિમલ જોષી દ્વારા અખબારી યાદી મારફતે જાહેર કરવામાં આવી હતી.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
