<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

૨૦૨૭માં સુરત-વાપી વચ્ચે ૨૮૦ કિમીની ઝડપે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની રેલમંત્રીની મોટી જાહેરાત

સુરત-બિલીમોરા વચ્ચે વીજ પુરવઠો શરૂ થતા ટ્રાયલની ઘડીઓ ગણાય, ૩૭૧ કિમીના પુલ અને ૬ લાખ નોઈઝ બેરિયરની કામગીરી પૂર્ણ

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં સુરત-બિલીમોરા સેક્શનમાં વીજ પુરવઠો શરૂ થતાં ટ્રાયલની ઘડીઓ ગણાવા લાગી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૨૦૨૭ના અંત એટલે કે છેલ્લા ક્વાર્ટરમાં શરૂ થશે અને સુરત-વાપી સેક્શન પ્રથમ કાર્યરત થશે, જ્યાં ટ્રેન ૨૮૦ કિમીની ઝડપે દોડશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો હાઈ સ્પીડ કોરિડોર તબક્કાવાર તૈયાર થઈ રહ્યો છે. આજે સુરતથી બિલીમોરા સેક્શનમાં એલિવેટેડ એલાઈનમેન્ટ પર અપ અને ડાઉન બંને લાઈનો પર વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે સુરતથી વાપી સુધીનું પ્રથમ સેક્શન ૨૦૨૭ સુધીમાં શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે.

બુલેટ ટ્રેનના કામકાજની વિગતો આપતા રેલવે મંત્રીએ ઉમેર્યું કે સપ્ટેમ્બર સુધીમાં ૪૫૬ થાંભલાઓનું કામ તેમજ ૩૭૧ કિમીના પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ૨૯૯ કિમી રૂટ પર અવાજ પ્રતિરોધક ૬ લાખ જેટલા નોઈઝ બેરિયર પણ લગાવી દેવામાં આવ્યા છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં અવાજનું પ્રદૂષણ નિયંત્રિત રહેશે.

સુરત-બિલીમોરા વચ્ચે વીજ પુરવઠો શરૂ થયા બાદ હવે આગામી તબક્કામાં હાઈ સ્પીડ ટ્રાયલ રન અને સુરક્ષા ચકાસણીની પ્રક્રિયા વેગવાન બનશે. અગાઉ વર્ષોથી ચાલી રહેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામગીરી પૂર્ણ થતા હવે તબક્કાવાર કોરિડોર ખુલ્લો મુકવાની દિશામાં નક્કર પગલાં ભરાઈ રહ્યા છે, જેનાથી ૨૦૨૭ના અંત સુધીમાં સુરત-વાપી વચ્ચે મુસાફરોને અતિઝડપી રેલ સેવાનો લાભ મળવાની આશા મજબૂત બની છે.

(12:12 AM IST)