તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 26th June 2026
હૈદરાબાદ નજીક ૧,૫૦૦ એકર જમીન પર આકાર લેશે દેશનું પ્રથમ ‘ડેટા સેન્ટર સિટી'
વૈશ્વિક સ્તરે ડિજિટલ મહાસત્તા બનવા તરફ ભારત આગળ વધશે : AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગના યુગમાં અવિરત હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ગ્રીન ટેકનોલોજીના અદભુત સમન્વય

હૈદરાબાદ, તા.૨૬: ભારતમાં સૌપ્રથમ વખત માત્ર અને માત્ર ડેટા સેન્ટરો માટે જ એક આખેઆખું આધુનિક શહેર વસાવવાની એક અભૂતપૂર્વ અને ભવ્ય યોજના પર કામ શરૂ થઈ ગયું છે. તેલંગાણાના હૈદરાબાદથી આશરે ૫૫ કિલોમીટર દૂર આવેલા અલોર ગામમાં ૧,૫૦૦ એકરની વિશાળ જમીન પર આ હાઇ-ટેક ‘ડેટા સેન્ટર સિટી'નું નિર્માણ કરવામાં આવશે. આ કોઈ સામાન્ય આઇટી પાર્ક નથી, પરંતુ એક અલાયદું ગ્લોબલ હબ હશે જ્યાં ડેટા સેન્ટર ચલાવતી વૈશ્વિક કંપનીઓને એક જ કેમ્પસમાં પાવર સબસ્ટેશન, હાઇ-સ્પીડ ફાઇબર નેટવર્ક, એડવાન્સ સિકયોરિટી અને બેકઅપ પાવર જેવી તમામ આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર મળશે. આ ભગીરથ પ્રોજેક્ટ ભારતના ડિજિટલ ભવિષ્ય અને માળખાગત સુવિધાઓ માટે ગેમ-ચેન્જર સાબિત થવાનો છે.
આ અનોખા ડિજિટલ શહેરની સૌથી મોટી તાકાત તેની ચોવીસ કલાક અવિરત ચાલતી પાવર, કૂલિંગ અને ઇન્ટરનેટ સિસ્ટમ હશે. સામાન્ય રીતે હજારો સર્વર્સ સતત કાર્યરત રહેતા હોવાથી તેમને ઠંડા રાખવા માટે કરોડો લીટર પાણીની જરૂર પડે છે, પરંતુ આ પ્રોજેક્ટમાં પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી નુસખો અપનાવાયો છે. અહીં મીઠા કે પીવાના પાણીને બદલે હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાયના ૪૧ સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) માંથી શુદ્ધ કરાયેલા આશરે ૫૩૦ MLD ગંદા પાણીનો ઉપયોગ કૂલિંગ સિસ્ટમ માટે ખાસ બે પાઇપલાઇન દ્વારા કરવામાં આવશે. આ ગ્રીન ટેકનોલોજીના કારણે પીવાના પાણીનો બગાડ અટકશે અને કુદરતી સંસાધનો પરનું દબાણ પણ ઘટશે. હાલના સમયમાં જનરેટિવ AI, મશીન ર્લનિંગ અને મોટા લાર્જ લેંગ્વેજ મોડેલ્સ (LLM) ના કારણે ડેટા પ્રોસેસિંગની માંગ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ જ્યાં સામાન્ય સર્વર રેક ૫ થી ૧૫ કિલોવોટ પાવર વાપરતા હતા, ત્યાં હવે હાઇ-એન્ડ GPU આધારિત AI સિસ્ટમ્સ ૩૦ થી ૧૨૦ કિલોવોટ જેટલી પ્રચંડ વીજળી માંગે છે, જેને પહોંચી વળવા માટે જ આ ખાસ ડેટા સિટી ડિઝાઇન કરાયું છે. હૈદરાબાદ પહેલેથી જ એમેઝોન, માઇક્રોસોફ્ટ, કંટ્રોલએસ અને એનટીટી ડેટા જેવી વૈશ્વિક જાયન્ટ્સ કંપનીઓનું મનપસંદ હબ રહ્યું છે, અને હાલમાં ૧૧ ગીગાવોટથી વધુ ક્ષમતાના નવા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. ભારતમાં ઓનલાઈન પેમેન્ટ, ઓટીટી અને ઈ-કોમર્સના વિસ્ફોટક વિકાસ વચ્ચે આ નવું ડેટા સેન્ટર સિટી દેશની ડિજિટલ ઇકોસિસ્ટમનો મજબૂત પાયો બનશે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
