<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ટ્રેન મોડી પડતાં દંપતી ફલાઇટ ચૂકી ગયું: રેલવેને વળતર પેટે ૬૩,૦૦૦ ચૂકવવા આદેશ

જમ્‍મુથી દિલ્‍હી જતી દુરંતો એક્‍સપ્રેસ લગભગ ચાર કલાક મોડી પડી હતી. ગ્રાહક અદાલતે રેલવેને સેવામાં ખામી બદલ જવાબદાર ઠેરવી

શ્રીનગર તા.૨૬: જમ્‍મુની જિલ્‍લા ગ્રાહક અદાલતે રેલવેને સેવામાં ખામી બદલ જવાબદાર ઠેરવી અને દંપતીને કુલ રૂા.૬૩,૧૯૯ ચૂકવવાનો આદેશ આપ્‍યો છે. જેમાં જમ્‍મુથી દિલ્‍હી જતી દુરંતો એક્‍સપ્રેસ લગભગ ચાર કલાક મોડી પડી હતી. જેના લીધે એક દંપતી દિલ્‍હીથી ગુવાહાટી જતી કનેક્‍ટિંગ ફલાઇટ ચૂકી ગયું હતું. કોર્ટે આપેલા આદેશની રકમમાં  નવી ફલાઇટ ટિકિટ અને હોટેલ રોકાણનો ખર્ચ, માનસિક વેદના માટે વળતર તથા કાનૂની કાર્યવાહીનો ખર્ચ સામેલ છે.

આ સમગ્ર કેસની વિગત મુજબ મોહિત સિહ ભાઉ અને તેમની પત્‍ની દામિની બિલોરિયાએ ૧૯ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ જમ્‍મુથી દિલ્‍હી જવા માટે દુરંતો એક્‍સપ્રેસ (ટ્રેન નંબર ૧૨૨૬૬)માં ટિકિટ બુક કરાવી હતી. ટ્રેન ૨૦ ડિસેમ્‍બરના રોજ સવારે ૩.૫૫ વાગ્‍યે દિલ્‍હી પહોંચવાની હતી. દંપતીએ તે જ દિવસે સવારે ૭.૧૫ વાગ્‍યે દિલ્‍હીથી ગુવાહાટીની ફલાઈટ ટિકિટ પણ બુક કરાવી હતી.

જોકે, ટ્રેન ૩ કલાક ૫૫ મિનિટ મોડી પડતા સવારે ૭.૫૦ વાગ્‍યે દિલ્‍હી પહોંચી હતી. જેના લીધે દંપતિ  તેમની ફલાઈટ ચૂકી ગયું. તેમણે ગુવાહાટી જવા માટે નવી એર ટિકિટ ખરીદવી પડી હતી. જેની કિમત ૩૫,૬૯૯ રૂપિયા છે. આ સિવાય હોટલમાં રોકાવા માટે ૨૫૦૦ રૂપિયા પણ ચૂકવવા પડતા હતા.

આ પછી દંપતીએ કન્‍ઝ્‍યુમર કોર્ટનો સંપર્ક કર્યો હતો.  તેણે આર્થિક નુકસાન માટે રૂ. ૬૦,૦૦૦, માનસિક તકલીફ અને અસુવિધા માટે રૂ. ૫૦,૦૦૦ અને કેસના ખર્ચ તરીકે રૂ. ૩૦,૦૦૦ની માગણી કરી હતી.

જોકે, સુનાવણી દરમિયાન રેલવેએ દલીલ કરી હતી કે ભારતીય રેલવે કોન્‍ફરન્‍સ એસોસિએશનના કોચિગ ટેરિફના નિયમ ૧૧૫ હેઠળ, ટ્રેનના મોડી પડવા બદલ તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. રેલવેના વકીલે એમ પણ કહ્યું કે ધુમ્‍મસના કારણે ટ્રેન મોડી પડી હતી.જો કે ગ્રાહક કોર્ટે રેલવેની આ દલીલને સ્‍વીકારી ન હતી. કોર્ટે કહ્યું કે રેલવેએ નિયત સમયમાં તેનો લેખિત જવાબ દાખલ કરવાનો હતો, પરંતુ તેણે તેમ કર્યું નથી. ઉપરાંત, ધુમ્‍મસને કારણે ટ્રેન મોડી પડી હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્‍યા ન હતા.

કોર્ટને જાણવા મળ્‍યું કે ટ્રેન મોડી પડી હતી અને દંપતી તેમની ફલાઇટ ચૂકી ગયા હતા તે હકીકત ટિકિટ અને અન્‍ય દસ્‍તાવેજો દ્વારા સાબિત થાય છે. રેલવે પણ સાબિત કરી શક્‍યું નથી કે વિલંબ તેના નિયંત્રણ બહારના સંજોગોને કારણે થયો હતો.

(10:04 AM IST)