News of Wednesday, 18th November 2026
કટોકટીમાં ઘેરાયેલી સ્પાઇસજેટને મળશે ₹૫,૫૦૦ કરોડનું 'સંજીવની' બૂસ્ટર: બોર્ડે ભંડોળ એકત્ર કરવા આપી મંજૂરી
ફ્લાઇટ્સ રદ થવા અને ગ્રાઉન્ડેડ વિમાનોના સંકટ વચ્ચે કંપનીને પુનર્જીવિત કરવા માટે અધિકૃત શેર મૂડી વધારીને ₹૭,૫૦૦ કરોડ કરાઈ : હવે રોકાણકારો પાસેથી ભંડોળ મેળવવા અને એરપોર્ટ ઓથોરિટીના બાકી લેણાં ચૂકવવાની પ્રક્રિયા તેજ બનશે

નવી દિલ્હી : તીવ્ર નાણાકીય કટોકટી અને ફ્લાઇટ્સ રદ થવાના વધતા બનાવો વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહેલી એરલાઇન કંપની સ્પાઇસજેટ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બુધવારે મળેલી સ્પાઇસજેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં કંપનીની કથળેલી નાણાકીય સ્થિતિને સુધારવા અને ફ્લાઇટ સંચાલનને ફરી પાટા પર લાવવા માટે ₹૫,૫૦૦ કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડીને ₹૨,૦૦૦ કરોડથી વધારીને ₹૭,૫૦૦ કરોડ કરવાની પણ લીલી ઝંડી આપી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી કલાકો સુધી એરપોર્ટ પર અટવાતા મુસાફરોની નારાજગી અને કંપની બંધ થવાની અટકળો વચ્ચે આ નિર્ણય એરલાઇન માટે નવજીવન સમાન માનવામાં આવી રહ્યો છે.
કંપનીની વર્તમાન સ્થિતિ અત્યંત પડકારજનક રહી છે, કારણ કે નાણાંના અભાવે સ્પાઇસજેટને એરપોર્ટ સેવાઓ મેળવવા માટે 'કેશ એન્ડ કેરી' મોડ પર કામ કરવાની ફરજ પડી રહી છે. વિવિધ એરપોર્ટ ઓથોરિટીના બાકી લેણાં, કર્મચારીઓના પગારમાં વિલંબ, ક્રૂની અછત અને મોટી સંખ્યામાં વિમાનો ગ્રાઉન્ડેડ હોવાને કારણે રોજિંદી કામગીરી ખોરવાઈ ગઈ હતી. આર્થિક મોરચે પણ કંપની પર ભારે દબાણ જોવા મળ્યું છે, જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી ખોટ વધીને ₹૬૨૧ કરોડ પર પહોંચી ગઈ હતી અને આવક ઘટીને ₹૭૯૨ કરોડ નોંધાઈ હતી. આ ઉપરાંત, ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટ પાછળ ₹૧૨૦ કરોડ અને વિમાનોને ફરી કાર્યરત કરવા પાછળ ₹૩૦ કરોડનો વધારાનો બોજ પણ કંપની પર પડ્યો હતો.
બોર્ડની આ મંજૂરી બાદ હવે આગળની કાર્યવાહીના ભાગરૂપે એરલાઇનના મેનેજમેન્ટને સંભવિત રોકાણકારો પાસેથી ઇક્વિટી અને અન્ય માધ્યમો દ્વારા રોકાણ મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. આ પ્રસ્તાવ પર હવે શેરધારકોની આગામી મંજૂરી લેવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર ભંડોળ એકત્ર કરવાની કામગીરી શરૂ થશે. આ નવું ભંડોળ મળવાથી કંપની સૌપ્રથમ એરપોર્ટ ઓથોરિટી અને લીઝ પર વિમાન આપનાર કંપનીઓના બાકી લેણાં ચૂકવી શકશે, જેથી ગ્રાઉન્ડેડ વિમાનોને ફરી આકાશમાં ઉડતા કરી શકાય અને મુસાફરોને પડતી હાલાકીનો કાયમી અંત લાવી શકાય.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
