<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

પંજાબને ધ્રૂજાવી દેવાનું સીમાપારનું નાપાક ષડયંત્ર નિષ્ફળ: ISI અને બબ્બર ખાલસાના આતંકી મોડ્યુલનો મોટો પર્દાફાશ

જાલંધર પોલીસ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનમાં વિદેશી હેન્ડલર્સ દ્વારા સંચાલિત આતંકવાદીની ઘાતક IED અને લોખંડના શ્રાપનલ સાથે ધરપકડ કરી : રાજ્યમાં મોટા પાયે રક્તપાત સર્જવાનો વિદેશી આકાઓનો પ્લાન પૂરો નિષ્ફળ બનાવાયો

જાલંધર :  પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને કટ્ટરપંથી આતંકવાદી સંગઠન 'બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ' દ્વારા પંજાબની શાંતિ ડહોળવાના એક અત્યંત ખતરનાક કાવતરાને સુરક્ષા દળોએ પળવારમાં નાકામ કરી દીધું છે. જાલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સ અને જાલંધર ગ્રામીણ પોલીસે એક વિશેષ સંયુક્ત ઓપરેશન પાર પાડીને સીમાપારથી ઓપરેટ થતા આતંકી મોડ્યુલના એક મુખ્ય ઓપરેટિવને ઝડપી લીધો છે. પંજાબના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એ સોશિયલ મીડિયા પર આ સફળતા અંગે વિગતવાર માહિતી આપતા જ રાજ્યભરમાં સનસનાટી મચી ગઈ છે.

ધરપકડ કરાયેલા આતંકવાદી પાસેથી પોલીસને ૧.૩ કિલોગ્રામ જેટલો અત્યંત ઘાતક વિસ્ફોટક પદાર્થ ભરેલો IED મળી આવ્યો છે, જેને નિષ્ક્રિય કરવા માટે તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લેવી પડી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકવાદી વિદેશમાં બેઠેલા પોતાના આકાઓના સીધા ઇશારે કામ કરી રહ્યો હતો. જપ્ત કરાયેલા IEDમાં વધુમાં વધુ જાનમાલનું નુકસાન પહોંચાડવાના હેતુથી લોખંડના શ્રાપનલ અને બોલ બેરિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આરોપીઓ ભીડભાડ વાળા વિસ્તારમાં મોટો વિસ્ફોટ કરીને નિર્દોષ લોકોનો ભોગ લેવાની ફિરાકમાં હતા.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાલંધર ગ્રામીણના પટારા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, આર્મ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધી દેવાયો છે. અત્યારે સુરક્ષા એજન્સીઓ અને પોલીસની ટીમ અટકાયતમાં લેવાયેલા આતંકીની ઘનઘોર પૂછપરછ કરી રહી છે, જેથી આ સ્થાનિક નેટવર્કના અન્ય તાર કોની સાથે જોડાયેલા છે અને વિસ્ફોટકો પહોંચાડવામાં કોણે મદદ કરી હતી તે સ્લીપર સેલ્સનો પર્દાફાશ કરી શકાય. સુરક્ષા દળોના આ સમયસરના ઓપરેશનથી પંજાબમાં એક મોટો રક્તપાત ટળી ગયો છે.

(6:00 PM IST)