<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર કડાકો: યુએસ-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી અને હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર સામાન્ય થતાં ચાર મહિનાની નીચી સપાટીએ

​યુદ્ધની આશંકાઓ ઓસરી જતાં બ્રેન્ટ ક્રૂડ પીક લેવલથી ૪૨ ટકા તૂટ્યું; સપ્લાયમાં મોટો વધારો થવાની ધારણા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ યુદ્ધ પૂર્વેના સ્તરે પહોંચ્યા, ભારત જેવા આયાતકાર દેશો માટે મોટા રાહતના સમાચાર

​મુંબઈ: વૈશ્વિક ઉર્જા બજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વચગાળાની શાંતિ સમજૂતી બાદ પર્સિયન ગલ્ફમાંથી તેલના સપ્લાયની ચિંતાઓ દૂર થઈ ગઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ યુદ્ધ શરૂ થયા પહેલાના સ્તરે પરત ફર્યા છે. દુનિયાભરમાં તેલના સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી જહાજોની અવરજવર ફરી સામાન્ય બની રહી છે અને અટવાયેલા સુપરટેન્કરો પોતાની મંઝિલ તરફ રવાના થતાં વૈશ્વિક બજારમાં તેલની ભીંસ ઓછી થઈ છે.

​આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ગણાતા બ્રેન્ટ ક્રૂડનો ભાવ એપ્રિલ મહિનાના અંતમાં તેની સર્વોચ્ચ સપાટી ૧૨૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો, જે હવે ત્યાંથી આશરે ૪૨ ટકા જેટલો ગગડીને ૭૩ ડોલરની પણ નીચે આવી ગયો છે. કારોબાર દરમિયાન વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો ૨ ટકા અથવા ૧.૪૦ ડોલર ઘટીને ૭૨.૪૦ ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે ફેબ્રુઆરી પછીની સૌથી નીચી સપાટી છે. એ જ રીતે, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડનો ભાવ પણ ૧.૬ ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ ૬૯ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. મધ્ય-પૂર્વના તણાવને કારણે બજાર પર જે રિસ્ક પ્રીમિયમ લાગુ પડ્યું હતું તે હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું છે.

​બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, અમેરિકા દ્વારા ઈરાનને આપવામાં આવેલી ૬૦ દિવસની પ્રતિબંધ મુક્તિ (સેન્ક્શન વેવર) ને કારણે ઈરાનનું તેલ ફરીથી વૈશ્વિક બજારમાં મોટા પાયે ઉપલબ્ધ બનશે. વળી, યુદ્ધ દરમિયાન ગલ્ફ દેશોમાં અબજો બેરલ ક્રૂડ ઓઈલ જહાજો અને ટાંકીઓમાં અટવાઈ પડ્યું હતું, જે હવે બજારમાં એકસાથે ઠલવાઈ રહ્યું છે. પશ્ચિમ આફ્રિકા અને મધ્ય-પૂર્વના અન્ય તેલ ઉત્પાદક દેશો તરફથી પણ સપ્લાય વધારવામાં આવી રહ્યો છે, જેના લીધે ટૂંકા ગાળા માટે બજારમાં ઓવરસપ્લાય એટલે કે માંગ કરતાં પુરવઠો વધી જવાની સ્થિતિ સર્જાઈ છે.

​બજારની આ મંદી વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકોએ પણ ચાલુ વર્ષ માટે તેલના સરેરાશ ભાવોના પોતાના અંદાજો સુધાર્યા છે. પૂર્વાનુમાન મુજબ, વર્ષ ૨૦૨૬માં બ્રેન્ટ ક્રૂડની સરેરાશ કિંમત જે અગાઉ ૮૯ ડોલર ધારવામાં આવી હતી, તે હવે ઘટાડીને ૭૭ ડોલર પ્રતિ બેરલ કરવામાં આવી છે. જો કે, બીજી તરફ એનર્જી ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ક્રૂડના ભાવોમાં સતત ઘટાડો થવા છતાં તે ૫૦ કે ૬૦ ડોલરની નીચે જાય તેવી શક્યતા નહિવત છે, કારણ કે જો કિંમતો વધુ ઘટશે તો ઓપેક પ્લસ (OPEC+) દેશો ઉત્પાદનમાં મોટો કાપ મૂકીને ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસો કરશે. આ ઉપરાંત, હોર્મુઝ રૂટ સંપૂર્ણપણે પૂર્વવત થવાની જટિલ પ્રક્રિયા અને ખાલી થયેલા વ્યૂહાત્મક તેલ ભંડારોને ફરીથી ભરવાની વૈશ્વિક જરૂરિયાત આગામી સમયમાં નીચલા સ્તરે કિંમતોને ટેકો આપશે. વૈશ્વિક ક્રૂડ બજારમાં આવેલો આ મોટો કડાકો ભારત જેવા દેશો માટે આર્થિક મોરચે મોટી રાહત લાવશે, જેનાથી આયાત બિલ ઘટશે અને સ્થાનિક સ્તરે મોંઘવારી કાબૂમાં રાખવામાં મદદ મળશે.

(1:12 PM IST)