News of Sunday, 3rd May 2026
નાઇજીરીયામાં ક્રૂરતા: ઉત્સવના નામે મહિલાઓ પર જાહેરમાં બળાત્કાર અને અમાનવીય અત્યાચાર
ડેલ્ટા રાજ્યમાં 'પ્રજનન મહોત્સવ' દરમિયાન હિંસક ટોળાએ મહિલાઓને રસ્તા પર દોડાવી નગ્ન કરી : યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ બની શિકાર, લોકો બચાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા અને બૂમો પાડતા રહ્યા

નવી દિલ્હી : નાઇજીરીયાના ડેલ્ટા રાજ્યમાં પરંપરાના નામે રમાયેલા લોહિયાળ અને શરમજનક ખેલથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. ઓરામુડુ સમુદાયના 'અલુયે-દો' (Aluye-do) નામના પ્રજનન ઉત્સવ દરમિયાન ઉત્સાહ અચાનક હિંસક પાગલપનમાં ફેરવાઈ ગયો હતો. પુરુષોના એક મોટા ટોળાએ શેરીઓમાં જતી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને નિશાન બનાવી હતી. અહેવાલો અનુસાર, ઉશ્કેરાયેલા પુરુષોએ મધમાખીઓની જેમ મહિલાઓ પર હુમલો કર્યો, તેમના કપડાં જાહેરમાં ફાડી નાખ્યા અને તેમને નગ્ન કરી દીધી હતી. અત્યંત આઘાતજનક બાબત એ છે કે આ હિંસા રોકવાને બદલે ત્યાં હાજર ભીડ પ્રોત્સાહન આપી રહી હતી, જેના કારણે અનેક મહિલાઓ સામૂહિક જાતીય હુમલાનો ભોગ બની હતી.
આ ક્રૂરતાનો ભોગ બનેલી એક પીડિતાએ રડતા રડતા પોતાની આપવીતી વર્ણવી કે તે જ્યારે પોતાની મોટરસાઇકલ પર જઈ રહી હતી, ત્યારે અચાનક ટોળાએ 'તેને પકડો, તે એક મહિલા છે' તેવી બૂમો પાડી તેની ઘેરાબંધી કરી લીધી હતી. ટોળાએ તેને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નાખી અને તેના શરીર સાથે અમાનવીય છેડછાડ કરી હતી. પીડિત મહિલાઓમાં નજીકની યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓની સંખ્યા મોટી હોવાનું મનાય છે, જેમાંથી અનેકને ગંભીર શારીરિક અને માનસિક આઘાતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આ ઘટનાએ નાઇજીરીયાના સુરક્ષા તંત્ર અને પરંપરાઓના નામે થતી અંધશ્રદ્ધા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિક ડેલ્ટા સ્ટેટ પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા તપાસ તેજ કરી છે. હાલમાં એક સ્થાનિક સમુદાયના નેતા સહિત ચાર યુવાનોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ અનેક આરોપીઓ ફરાર છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ નાઇજીરીયામાં મહિલા સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જવાબદારોને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના માત્ર નાઇજીરીયા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે કાળી ટીલી સમાન છે, જ્યાં ઉત્સવના નામે સ્ત્રીની ગરિમાને રસ્તા પર રોળવામાં આવી.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
