News of Friday, 1st May 2026
નર્મદા નદીમાં પ્રવાસીઓ ભરેલી ક્રૂઝ ડુબીઃ ૭ના મોતઃ ૧૮ લોકોનું રેસક્યૂ
ક્રૂઝમાં ૩૫થી ૪૦ લોકો સવાર હતાઃ તરવૈયાઓની મદદથી રેસક્યૂ ઓપરેશન

જબલપુર,તા.૧: મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદીના બરગી ડેમમાં પ્રવાસીઓ ભરેલી એક ક્રૂઝ ડુબતા ચકચાર મચી ગઇ છે. કહેવામાં આવે છે કે આ ક્રૂઝમાં ૩૫થી ૪૦ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ૭ લોકોના શબ બહાર કાઢવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ પોલીસ, વહીવટીતંત્ર અને SDRFની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર ૧૮ લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે અને કેટલાક લોકોને તરત જ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કલેક્ટર રાઘવેન્દ્ર સિહ અને પોલીસ અધીક્ષક સંપત ઉપાધ્યાય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડેમમાં ક્રૂઝ પલટતા ડુબેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. SDRF અને સ્થાનિક પોલીસે તરવૈયાઓની મદદથી રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મોટર બોટ અને સ્પીડ બોટથી લોકોને બચાવવામાં આવ્યા હતા.
બરગી CSP અંજુલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગુરૂવારે જબલપુરની નર્મદા નદી પર બનેલા બરગી ડેમમાં ૩૫થી ૪૦ મુસાફરોને લઇને જતી એક ક્રૂઝ બોટ પલટી મારી ગઇ હતી. ક્રૂઝ બોટમાં ૩૫થી ૪૦ લોકો સવાર હતા અને તેમાંથી ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ૧૫થી ૧૮ લોકો હજુ પણ ગાયબ છે. ગુરૂવારે અચાનક આવેલા તોફાન બાદ આ દુર્ઘટના બની હતી. નદીમાંથી ૪ શબ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ગાયબ મુસાફરોને શોધવા અને તેમને બચાવવા માટે રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
જબલપુરમાં ક્રૂઝ દુર્ઘટનાને લઇને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું છે. X પર પોસ્ટ કરતા મોહન યાદવે લખ્યુ, જબલપુરમાં વાવાઝોડાને કારણે બરગી ડેમમાં દુઃખદ ક્રૂઝ દુર્ઘટનાને લઇને સ્થાનિક તંત્ર અને રેસક્યૂ ફોર્સનું ઓપરેશન ચાલુ છે. લોક નિર્માણ મંત્રી રાકેશ સિહ, પ્રવાસન મંત્રી ધર્મેન્દ્રસિહ લોધી, સંભાગ પ્રભારી એસીએસ, એડીજી અને સ્થાનિક જનપ્રતિનિધિઓને ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
જબલપુરથી આશરે ૩૫ કિમી નર્મદા નદી પર બરગી ડેમ આવેલો છે. અહીં મધ્ય પ્રદેશ ટુરિઝમનો રિસોર્ટ છે અને વોટર સ્પોર્ટ્સ પણ થાય છે. મધ્ય પ્રદેશ પ્રવાસન નિગમ એટલે કે MPT દ્વારા ક્રૂઝ ચલાવવામાં આવે છે
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
