તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ઓડિશામાં વાવાઝોડુ ‘અક્વાન' ત્રાટકયું: ૩ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર
પુરીથી ૧૬૦ કિમી દૂર ગોપાલપુરના દરિયાકાંઠે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતા જ દરિયો તોફાની બન્યો પ્રવાસીઓ માટે પુરી, કોણાર્ક અને ચંદ્રભાગા બીચ ખાલી કરાવાયાઃ જ્યારે આંધ્રપ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદનું એલર્ટ

ભુવનેશ્વર, તા.૨૦: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન અક્વાન ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠા સાથે ટકરાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પુરીથી લગભગ ૧૬૦ કિમી અને ગોપાલપુરથી ૬૦ કિમી દક્ષિણમાં વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ છે, જે લગભગ બે કલાક સુધી ચાલશે. જોકે દરિયાકાંઠે પહોંચતા પહેલા વાવાઝોડું ગંભીર ચક્રવાતી તોફાન માંથી નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે, તેમ છતાં લેન્ડફોલ સમયે ૭૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેની ગતિ વધીને ૯૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા છે.
વાવાઝોડાના ખતરાને જોતા ઓડિશા સરકારે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને સંવેદનશીલ વિસ્તારોમાંથી ૩,૦૦,૦૦૦ થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કર્યું છે અને તેમના માટે ૨,૫૨૩ રાહત શિબિરો ઊભા કર્યા છે. દરિયામાં ઉછળતા ઊંચા મોજા અને તોફાની પવનને કારણે પ્રવાસીઓની સુરક્ષા માટે પુરી, કોણાર્ક અને ચંદ્રભાગા દરિયાકિનારા સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આખી રાત સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસથી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ઝીરો પર તૈનાત ૪૨૩ બચાવ ટીમોને સતર્ક રહેવા આદેશ આપ્યા છે.
ચક્રવાતની અસરને કારણે ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ગોપાલપુરમાં સૌથી વધુ ૧૮૬ મીમી, ચાંદીપુરમાં ૧૧૪ મીમી અને પારાદીપમાં ૯૩ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે માત્ર ઓડિશા જ નહીં, પરંતુ ઉત્તર આંધ્રપ્રદેશ અને પヘમિ બંગાળના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સાવચેતીના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર સ્થિત ડોપ્લર વેધર રડાર દ્વારા વાવાઝોડાની દરેક હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, લેન્ડફોલ બાદ અક્વાન વધુ નબળું પડીને શુક્રવાર સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનઁ અને શનિવાર સુધીમાં લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે. જોકે, આગામી બે દિવસ સુધી ભારે વરસાદ અને તેજ પવનની શકયતા હોવાથી વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
