<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ઓઇલ કંપનીઓને રોજનું ૨૪૦૦ કરોડનું નુકસાનઃ ૧૨૦ દેશોએ ઇંધણના ભાવ વધાર્યો

ભારતે ભાવ સ્‍થિર રાખતા ઓઇલ કંપનીઓની માઠી : ઓઇલ કંપનીઓને પેટ્રોલ પર લીટરે ૨૬ અને ડિઝલ પર રૂા. ૮૧ની ખોટ

નવી દિલ્‍હી તા.૨: ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતમાં શરૂ થયેલા ઈરાન યુદ્ધ બાદ વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલનો ભાવ એક તબક્કે ૧૨૬ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયો હતો. વૈશ્વિક ઊર્જા સંકટના પગલે ૧૨૦ થી વધુ દેશોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ૩૦ થી ૫૦ ટકા, ઉત્તર અમેરિકામાં ૩૦ ટકા અને યુરોપમાં ૨૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.

પડોશી દેશો પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને શ્રીલંકામાં ઈંધણના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે અને ત્‍યાંની જનતા ભયંકર મોંઘવારીનો સામનો કરી રહી છે. આમ છતાં, ભારતમાં એક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. ભારતમાં ગ્રાહકો આજે પણ મે ૨૦૨૨ના ભાવે જ ઈંધણ ખરીદી રહ્યા છે. સરકારે છેલ્‍લા ચાર વર્ષથી ભાવમાં કોઈ વધારો ઝીંક્‍યો નથી.

પેટ્રોલિયમ મંત્રી હરદીપસિઘ પુરીના જણાવ્‍યા મુજબ, વડાપ્રધાને ભારતીય નાગરિકોને આંતરરાષ્ટ્રીય ભાવવધારાની ઝાળથી બચાવવા માટે સરકારી તિજોરી પર બોજ સહન કરવાનો નિર્ણય લીધો છે.

આ ભાવ સ્‍થિરતાની એક મોટી કિમત દેશની સરકારી ઓઈલ માર્કેટિગ કંપનીઓ ઇન્‍ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ ચૂકવી રહી છે. ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવે ક્રૂડ ખરીદીને સ્‍થાનિક બજારમાં જૂના જ ભાવે વેચવાને કારણે આ કંપનીઓને દૈનિક આશરે ૨૪૦૦ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થઈ રહ્યું છે. શરૂઆતના આંકડાઓ મુજબ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર ૨૬ રૂપિયા અને ડીઝલ પર ૮૧.૯૦ રૂપિયાની ખોટ જઈ રહી હતી. જોકે, તાજેતરમાં સરકારે એક્‍સાઇઝ ડ્‍યુટીમાં ઘટાડો કરતા આ દબાણ થોડું હળવું થયું છે.

દેશમાં જો ડીઝલ મોંઘુ થાય તો જીવનજરૂરી ચીજવસ્‍તુઓના પરિવહનનો ખર્ચ વધે અને ભયંકર મોંઘવારી ફાટી નીકળે તેવા ડરથી સરકારે હાલ પૂરતો ભાવવધારો ટાળીને દેશવાસીઓને રાહત આપી છે.

હાલ દિલ્‍હીમાં પેટ્રોલ ૯૪.૭૨ રૂપિયા અને ડીઝલ ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, પરંતુ કેટલાક નિષ્‍ણાતોના મતે આગામી સમયમાં ભાવવધારાની શક્‍યતાને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી.(૩૮.૧૦)

(9:54 AM IST)