News of Saturday, 30th May 2026
સ્પેસએક્સના IPO પૂર્વે જ ડેનિશ પેન્શન ફંડનો મોટો આંચકો: ૧.૮ ટ્રિલિયન ડૉલરના મૂલ્યાંકનને ગણાવ્યું ‘શુદ્ધ કાલ્પનિક’
એલોન મસ્કના કોર્પોરેટ ગવર્નન્સ અને બેફામ મૂલ્યાંકન સામે નારાજગી, સ્પેસએક્સને રોકાણની યાદીમાંથી કર્યું બ્લેકલિસ્ટ

કોપનહેગન : એલોન મસ્કની અવકાશ સંશોધન કંપની સ્પેસએક્સ (SpaceX) માટે આગામી સમયમાં આવનાર તેના પ્રારંભિક જાહેર ઓફર (IPO) પૂર્વે જ એક મોટો રાજકીય અને આર્થિક અવરોધ ઊભો થયો છે. ડેનમાર્કના અગ્રણી પેન્શન ફંડ 'અકાડેમિકરપેન્શન' (AkademikerPension) એ સ્પેસએક્સને તેના રોકાણની યાદીમાંથી સત્તાવાર રીતે 'બ્લેકલિસ્ટ' કરી દીધું છે. આ પેન્શન ફંડે કંપનીના ૧.૮ ટ્રિલિયન ડૉલરના અંદાજિત મૂલ્યાંકનને માત્ર "શુદ્ધ કાલ્પનિક" ગણાવીને એલોન મસ્કની કાર્યશૈલી અને શાસન માળખા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
"મૂલ્યાંકન વાસ્તવિકતા કરતાં મસ્કના શબ્દોથી વધુ પ્રેરિત"
૨૫ બિલિયન ડૉલરના વિશાળ ભંડોળનું સંચાલન કરતા અકાડેમિકરપેન્શનના સીઈઓ આન્દ્રે શેલ્ડેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સ્પેસએક્સનું ૧.૮ ટ્રિલિયન ડૉલરનું લક્ષ્યાંક મૂલ્યાંકન ઓછામાં ઓછું ૮૦ ટકા વધારે છે. તેમણે દાવો કર્યો છે કે, "સ્પેસએક્સનું વાજબી મૂલ્ય ૧ ટ્રિલિયન ડૉલરથી વધુ હોઈ શકે જ નહીં. આ આંકડા આર્થિક વાસ્તવિકતા પર નહીં, પરંતુ મસ્કના પોતાના વર્ણન અને દાવાઓ પર આધારિત છે." આ નિર્ણયથી રોકાણકારોમાં કંપનીના ભવિષ્યને લઈને ચર્ચાઓ જાગી છે.
ગવર્નન્સ સ્ટ્રક્ચર પર ગંભીર આક્ષેપો
માત્ર મૂલ્યાંકન જ નહીં, પરંતુ પેન્શન ફંડે સ્પેસએક્સના શાસન માળખા (Governance Structure) ને પણ 'આપત્તિજનક' ગણાવ્યું છે. આન્દ્રે શેલ્ડેના મતે, કંપનીનું વર્તમાન માળખું એલોન મસ્કને બોર્ડના અધ્યક્ષ અને ચીફ ટેકનોલોજી ઓફિસર હોવા છતાં ૮૦ ટકા મતદાન અધિકારો આપે છે, જે રોકાણકારો માટે જોખમી છે. માત્ર અકાડેમિકરપેન્શન જ નહીં, પરંતુ કેલિફોર્નિયા પબ્લિક એમ્પ્લોયીઝ રિટાયરમેન્ટ સિસ્ટમ અને ન્યૂ યોર્ક સ્ટેટના અન્ય ટોચના રોકાણકારોએ પણ કંપનીના આ 'એક્સ્ટ્રીમ ગવર્નન્સ સ્ટ્રક્ચર' વિશે ચિંતા વ્યક્ત કરી છે.
અગાઉ ટેસ્લા અને યુએસ ટ્રેઝરી સાથે પણ તોડ્યા હતા સંબંધો
અકાડેમિકરપેન્શન અગાઉ પણ તેના કડક નિર્ણયો માટે જાણીતું છે. ગયા વર્ષે જ આ ફંડે ટેસ્લામાં રહેલો પોતાનો હિસ્સો વેચી દીધો હતો, કારણ કે તેમને લાગતું હતું કે એલોન મસ્ક તેમની હરકતો દ્વારા કંપનીની બ્રાન્ડ વેલ્યુનો નાશ કરી રહ્યા છે. વધુમાં, જાન્યુઆરી મહિનામાં તેમણે યુએસ ટ્રેઝરીમાં રોકાણ કરવાનું પણ બંધ કરી દીધું હતું. પેન્શન ફંડના અધિકારીઓના મતે, જો સ્પેસએક્સમાં આટલી મોટી શાસનકીય ખામીઓ ન હોત, તો તેઓ આ ટેકનોલોજીમાં ચોક્કસપણે રોકાણ કરવા ઈચ્છત. હવે સૌની નજર સ્પેસએક્સના આગામી માર્કેટિંગ અને અન્ય મોટા સંસ્થાકીય રોકાણકારોના વલણ પર ટકેલી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
