<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

રહેમરાહે નિમણૂકમાં પુત્રવધૂને દીકરી જેટલાં જ સમાન અધિકાર

પીડબલ્‍યુડી વિભાગને ૩૦ દિવસમાં અરજદારને નિમણૂક આપવા રાજસ્‍થાન હાઈકોર્ટનો આદેશ

જયપુર,તા.૧૮: રાજસ્‍થાન હાઈકોર્ટે એક શકવર્તી ચુકાદામાં જણાવ્‍યું હતું કે, દીકરીની જેમ પુત્રવધૂને પણ રહેમરાહે નિમણૂકનો અધિકાર છે. આ ચુકાદા સાથે હાઈકોર્ટે આ મુદ્દે જાતીય સમાનતા અને કાનૂની સ્‍પષ્ટતાનો પુનરોચ્‍ચાર કર્યો હતો.

સુંદરી દેવી નામની એક મહિલા દ્વારા કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન જાસ્‍ટિસ રવિ ચિરાણીયાએ સંબંધિત વિભાગને કોઈ પણ વિલંબ વગર ૩૦ દિવસમાં તેમને નિમણૂક આપવા આદેશ કર્યો હતો. આ સાથે જ ચેતવણી આપતાં જણાવ્‍યું હતું કે, જો આદેશના પાલનમાં ચૂક થશે તો જવાબદાર અધિકારી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટે નોંધ્‍યું હતું કે, અગાઉ ૨૦૨૩માં ડિવિઝન બેન્‍ચે પણ ઠેરવ્‍યું હતું કે, આવા કિસ્‍સાઓમાં પુત્રવધૂને પણ દીકરી જેટલાં જ સમાન અધિકાર પ્રાપ્ત છે. વારંવાર એકના એક ટેકનિકલ વાંધા કાઢવા બદલ વિભાગના વલણ સામે નારાજગી વ્‍યક્‍ત કરતાં કોર્ટે જણાવ્‍યું હતું કે, આવો વ્‍યવહાર સ્‍થાપિત કાનૂની સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેના કારણે ન્‍યાય આપવામાં બિનજરૂરી વિલંબ થાય છે.  કેસની વિગતો અનુસાર, સુંદરી દેવી એ પીડબલ્‍યુડી વિભાગના એક કર્મચારીની પુત્રવધૂ છે. ૧૯ નવેમ્‍બર, ૨૦૧૬ના રોજ તેના સસરાનું નિધન થયું હતું. તે સમયે તેમનો પુત્ર ગંભીર અકસ્‍માતને કારણે પથારીવશ હતો. આથી પરિવારને આર્થિક સહાય માટે સુંદરી દેવીએ તેના સસરાની જગ્‍યાએ રહેમરાહે નોકરી માટે અરજી કરી હતી. જોકે વિભાગ દ્વારા તે અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. આ દરમિયાન તેના પતિની તબિયત લથડતાં તેમનું પણ મે, ૨૦૨૦માં અવસાન થયું હતું, જેને પગલે સમગ્ર પરિવારની જવાબદારી સુંદરી દેવી પર આવી પડી હતી. આમ છતાં વિભાગે તેમની અરજી પર કોઈ કાર્યવાહી કરી નહોતી. આથી કંટાળીને તેમણે કોર્ટનું શરણું લીધું હતું. હાઈકોર્ટે વિભાગને ૩૦ દિવસની અંદર સુંદરી દેવીને નિમણૂક આપવા આદેશ કર્યો હતો.

 

(10:05 AM IST)