News of Thursday, 7th May 2026
માત્ર ૩૦૦૦ રૂપિયામાં ૨૬ જીવનો સોદો: પહલગામ હુમલાનું કાળું સત્ય, આતંકીઓને રોટલી જમાડનાર ગદ્દારોએ સેનાના ગુપ્ત રાજ પણ ખોલ્યા!
ઓપરેશન મહાદેવમાં ઠાર મરાયેલા પાકિસ્તાની આતંકીઓના લોકલ કનેક્શનનો પર્દાફાશ: DNA રિપોર્ટ અને M4 રાઇફલના બેલેસ્ટિક રિપોર્ટે ખોલી આંતરરાષ્ટ્રીય ષડયંત્રની પોલ

શ્રીનગર: ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલો ભયાનક આતંકી હુમલો માત્ર ગોળીબારની ઘટના નહોતી, પરંતુ તેની પાછળ સીમાપારથી રચાયેલું એક ઊંડું અને ખૌફનાક ષડયંત્ર હતું. તપાસ એજન્સીઓના તાજેતરના ખુલાસા મુજબ, આ હુમલાને અંજામ આપનારા ત્રણેય આતંકીઓ પાકિસ્તાની નાગરિકો હતા—ફૈઝલ જટ્ટ, હસીબ તાહિર અને હસીબ અફઘાની. આ આતંકીઓને સ્થાનિક સ્તરે મદદ કરનારા લોકોએ માત્ર થોડા રૂપિયા માટે દેશ સાથે ગદ્દારી કરી હોવાનું સામે આવ્યું છે.
જંગલની ઝૂંપડીમાં આતંકીઓની મહેમાનગતિ
હુમલાના એક દિવસ પહેલા, ૨૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ બશીર અહમદ નામના શખ્સની મુલાકાત જંગલમાં આ આતંકીઓ સાથે થઈ હતી. દેશપ્રેમ દાખવવાને બદલે બશીરે આતંકીઓને પોતાના ભાણેજ પરવેઝની ઝૂંપડીમાં આશરો અપાવ્યો હતો. પરવેઝની પત્ની તાહિરાએ આતંકીઓ માટે ચા અને ભોજન તૈયાર કર્યું હતું. આ પાંચ કલાકના રોકાણ દરમિયાન આતંકીઓએ માત્ર ભોજન જ ન લીધું, પણ અમરનાથ યાત્રા અને સેનાની તૈનાતી અંગેની અત્યંત ગુપ્ત માહિતીઓ પણ સ્થાનિકો પાસેથી કઢાવી હતી.
૩૦૦૦ રૂપિયાની લાલચ અને લોહીની હોળી
રાત્રે ૧૦ વાગ્યે જ્યારે આતંકીઓ ઝૂંપડીમાંથી નીકળ્યા, ત્યારે તેઓ પોતાની સાથે રોટલી, મસાલા, વાસણો અને પ્લાસ્ટિક સીટ પણ લઈ ગયા હતા. આતંકીઓએ પરવેઝને મદદ બદલ ૩૦૦૦ રૂપિયા આપ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે સ્થાનિક લોકોએ ડર કે લાલચમાં આવીને પોલીસને જાણ કરી નહોતી, જેનો ફાયદો ઉઠાવીને આતંકીઓએ ૨૬ નિર્દોષોના લોહીથી હોળી રમી હતી. ફોરેન્સિક તપાસ અને મોબાઈલ ડેટાએ સાબિત કર્યું છે કે આતંકીઓના ફોન પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યા હતા.
M4 રાઇફલ અને ઓપરેશન મહાદેવ
બેલેસ્ટિક તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. પહલગામ હુમલામાં વપરાયેલી M4 રાઇફલ એ જ હતી જે ૨૦૨૪ના ગગનગીર હુમલામાં વપરાઈ હતી, જે સાબિત કરે છે કે એક જ આતંકી નેટવર્ક લાંબા સમયથી સક્રિય હતું. જોકે, ભારતીય સેનાએ ૨૮ જુલાઈ ૨૦૨૫ના રોજ 'ઓપરેશન મહાદેવ' ચલાવીને આ ત્રણેય પાકિસ્તાની આતંકીઓને ઠાર મારીને નિર્દોષોના મોતનો બદલો લીધો હતો. હાલમાં સ્થાનિક ગદ્દારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
