<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સૌરાષ્‍ટ્રને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો ખેડૂતોને લોનમાં રાહત આપી નવુ ધિરાણ આપો

કોંગ્રેસ ચૂંટણીના મોડમાં: હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રાંતની સંગઠન બેઠક મળીઃ કોડીનારના પૂર્વ ધારાસભ્‍ય જેઠાભાઇ સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી : કોંગ્રેસના સિનિયર મહાસચિવ, સાંસદ અને ગુજરાતના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાએ મોરબીમાં ખેડૂત મહાસભા પૂર્વે રાજકોટના અખબારોને કર્યુ સંબોધનઃ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્‍છમાં ભંયકર સ્‍થિતીઃ પાણી, વિજળીની ઘટ અને જણસોના પુરતા ભાવના અભાવે ખેડૂતો ટળવળી રહયા છેઃ અદાણીની પાવર, ટ્રાન્‍સમિશન લાઇનના કારણે સેંકડો ખેડૂતોએ જમીન ગુમાવીઃ ખેતીની જમીનોના ભાવ ગગળ્‍યાઃ વિજ ટાવરના બદલામાં ૨૫ વર્ષ સુધી દર વર્ષે ખેડૂતોને ૩૦ હજાર વળતર આપોઃ દિલ્‍હી-ગાંધીનગરની સરકારે ખેડૂતોનો અવાજ રૂંધી નાખ્‍યો છે : આજી અને ભાદર ડેમમાં માત્ર ૫૦ ટકા જેટલો જળજથ્થો બચ્યો છે ત્યારે રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરવા માટે કેમ તૈયાર નથી? : ટેકાના ભાવે ખરીદી માટેના પોર્ટલ રજિસ્ટ્રેશનમાંથી આશરે ૮૦ હજાર ખેડૂતોનાં નામ દૂર કરી સરકારે અન્યાય કર્યો

રાજકોટઃ કોંગ્રેસના સિનિયર મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદશ્રી રણદિપસિંહ સુરજેવાલાએ આજે રાજકોટ સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધી ત્‍યારે ગુજરાત પ્રદેશના ઉપસ્‍થિત નેતાઓ સર્વશ્રી અમિત ચાવડા, તુષારભાઇ ચોૈધરી, પરેશ ધાનાણી, વિમલભાઇ ચુડાસમા, વિક્રમભાઇ માડમ અને ઋત્‍વીકભાઇ મકવાણા નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)(૨.૧૫)

રાજકોટ તા.૨૨: આજે રાજકોટમાં ખેડૂતોના પ્રશ્ને યોજાયેલી ખેડુત મહાસભામાં હાજરી આપવા રાજકોટ આવેલા કોંગ્રેસના સિનિયર મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદ રણદિપસિંહ સુરજેવાલાએ રાજકોટ સર્કીટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેઓએ સૌરાષ્‍ટ્રને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા અને ખેડૂતોને તાકિદે આર્થિક સહાય અને વળતર ચુકવવા માંગણી કરી હતી. વરસાદના અભાવે સૌરાષ્‍ટ્રની જનતા પાણી વગર ટળવળી રહી છે ત્‍યારે નર્મદા નદીના પાણીની સહાય ન મળે તો રાજકોટ પાસે ૪૮ કલાક ચાલે તેટલુ જ પાણી હોવાનો ધડાકો કરતા તેઓએ જણાવ્‍યુ હતું કે, દિલ્‍હી અને ગુજરાતમાં સતા સંભાળતી ભાજપ સરકારની બેઇમાની અને  ભ્રષ્‍ટાચારીના કારણે લોકોની હાલત કફોડી થઇ છે. પાણી અને વિજળીની ઘટ એ બીજેપી ‘‘સરકાર મેઇડ ડીઝાસ્‍ટર'' છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

પ્રેસ કોન્‍ફરન્‍સમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચોૈધરી, જાવીદ પીરઝાદા, પરેશ ધાનાણી, ઋત્‍વીક મકવાણા, વિમલભાઇ ચુડાસમા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્‍થિત રહયા હતા.

પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધતા રણદિપસિંહ સુરજેવાલાએ ગુજરાતના ખેડૂતોની સમસ્‍યાઓ, ઓછા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્‍થિતિ, મગફળી અને કપાસના પાકના નુકસાન, ટેકાના ભાવ તેમજ વીજળી સંકટના મુદ્દે રાજ્‍ય અને કેન્‍દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે જણાવ્‍યું હતું કે જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને કચ્‍છ જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે. જળાશયોમાં પાણીનો જથ્‍થો ઘટતાં સિંચાઈ માટે નર્મદાના પાણી પર આધાર રાખવાની સ્‍થિતિ ઊભી થઈ છે. આજી અને ભાદર ડેમમાં માત્ર ૫૦ ટકા જેટલો જળજથ્‍થો બચ્‍યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે સવાલ ઉઠાવ્‍યો હતો કે ખેડૂતોની આવી ગંભીર પરિસ્‍થિતિ છતાં રાજ્‍ય સરકાર દુષ્‍કાળ જાહેર કરવા માટે કેમ તૈયાર નથી?

સૂરજેવાલાએ માંગ કરી હતી કે ઓછા વરસાદ અને પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોની સ્‍થિતિનું તાત્‍કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને મગફળી તથા કપાસના પાકમાં નુકસાન સહન કરનારા ખેડૂતોને વિલંબ કર્યા વિના યોગ્‍ય વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે સરકાર તાત્‍કાલિક અસરકારક પગલાં ભરે તે જરૂરી છે.

મગફળીના ટેકાના ભાવ અને ખેડૂતોની નોંધણીનો મુદ્દો

મગફળી અને કપાસના ટેકાના ભાવના મુદ્દે કેન્‍દ્ર સરકારને ઘેરતાં તેમણે CACPના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્‍વિન્‍ટલ રૂા.૯,૦૦૦ નક્કી કરવાની માગ સામે સરકારે રૂા. ૭,૫૦૦નો ભાવ જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્‍ય મૂલ્‍ય આપવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટેના પોર્ટલ રજિસ્‍ટ્રેશનમાંથી આશરે ૮૦ હજાર ખેડૂતોનાં નામ દૂર કરવામાં આવ્‍યાં હોવાનો દાવો કરતાં તેમણે પ્રશ્ન ઉઠાવ્‍યો હતો કે ખેડૂતોને સહાય અને ખરીદીનો લાભ મળવો જોઈએ ત્‍યારે તેમની નોંધણીમાંથી નામ દૂર થવાથી તેમને અન્‍યાય થતો નથી? ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં પારદર્શકતા સાથે ન્‍યાય મળે અને કોઈ પણ પાત્ર ખેડૂત સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે સુનિヘુિત કરવાની તેમણે માંગ કરી હતી.

વીજ સંકટ અને વીજળી વ્‍યવસ્‍થાપન અંગે સરકાર પર પ્રહાર

રાજ્‍યમાં વીજ સંકટના મુદ્દે નિવેદન આપતાં રણદીપ સૂરજેવાલાએ તેને ‘‘ભાજપ મેડ ડિઝાસ્‍ટર'' ગણાવ્‍યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્‍ય સરકાર વીજળીની ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડે તે રીતે કામગીરી કરી રહી છે. તેમના જણાવ્‍યા અનુસાર, અન્‍ય રાજ્‍યોની સરકારો પાસેથી પણ વીજળી મેળવી શકાય તેમ હોવા છતાં ગુજરાત સરકાર તે દિશામાં જરૂરી પગલાં ભરતી નથી.

તેમણે વીજળીની ઉપલબ્‍ધતા અને વ્‍યવસ્‍થાપન અંગે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ખેડૂતો અને સામાન્‍ય જનતાના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. વીજળી અને બીજ જેવી મૂળભૂત જરૂરિયાતોના સંકટનો ભોગ ખેડૂતોને બનવું પડે તે સ્‍વીકાર્ય નથી. વધુમાં તેમણે પાવર ટ્રાન્‍સમિશન લાઇનના ટાવરો ખેડૂતોની જમીન પર ખડકવાથી નકામી બનેલી જમીન પેટે ૨૫ વર્ષ સૂધી દર વર્ષે ૩૦ હજારનું વળતર ચુકવવા માંગણી કરી હતી.

હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલી સૌરાષ્‍ટ્ર-કચ્‍છની બેઠકમાં જે.ડી. સોલંકી કોંગ્રેસમાં જોડાયા

આ પ્રસંગે કોડિનારના પૂર્વ ધારાસભ્‍ય જે.ડી. સોલંકી કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં પ્રવેશ બાદ નિવેદન આપતાં તેમણે કોડિનાર વિસ્‍તારમાં અસામાજિક તત્ત્વોના ત્રાસ અને વિકાસના અભાવ અંગે આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિસ્‍તારમાં દિનુ સોલંકીના ત્રાસથી પ્રજા પરેશાન છે અને મંત્રી હોવા છતાં વિસ્‍તારનું સમગ્ર સંચાલન અન્‍ય વ્‍યક્‍તિ દ્વારા કરવામાં આવે છે. આ પરિસ્‍થિતિને ભાજપ છોડવાનું કારણ ગણાવતાં તેમણે કોડિનાર વિસ્‍તારમાં વિકાસનાં કામો થયાં ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ખેડૂતોના હિત માટે તાત્‍કાલિક પગલાંની માંગ

રણદીપ સૂરજેવાલાએ ખેડૂતોના પ્રશ્નો, પાકના નુકસાન, ટેકાના ભાવ, પોર્ટલ નોંધણી અને વીજળી સંકટ જેવા મુદ્દાઓ પર સરકારની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. ખેડૂતોને સમયસર વળતર, પાકના પોષણક્ષમ ભાવ અને વીજળીની પૂરતી ઉપલબ્‍ધતા મળે તે માટે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર તાત્‍કાલિક નક્કર પગલાં ભરે તેવી માંગ તેમણે કરી હતી.

ખેડૂતોના હિતોનું રક્ષણ, તેમની મહેનતનું યોગ્‍ય મૂલ્‍ય અને જનતાને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી એ સરકારની જવાબદારી છે. ખેડૂતોને મુશ્‍કેલીમાં મૂકતી નીતિઓ સામે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતી રહેશે. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે ખેડૂતો હેરાન પરેશાન છે તેમ છતાં સરકાર ઘોર નિંદ્રા માં છે, પરંતુ આ સરકાર સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્‍યાય ની લડત ચાલુ રહેશે કોંગ્રેસ પક્ષ હંમેશા સત્‍ય માટે લડતો રહ્યો છે અને લડતો રહેશે. અને હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવા અગ્રેસર રહેશે.

આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશ ભાઈ વોરા ના રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આયોજનમાં રણદીપસિંહ સુરજેવાલા, અમિત ભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી, સૌરાષ્‍ટ્ર ઝોનના ઇન્‍ચાર્જ દેવેન્‍દ્ર યાદવ, શક્‍તિસિંહ ગોહિલ, પરેશભાઈ ધાનાણી, ઋત્‍વિકભાઈ મકવાણા, વિક્રમભાઈ માડમ, વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્‍ય જાવેદ પીરજાદ, નૌશાદભાઈ સોલંકી, મહેશ ભાઈ રાજપુત તેમજ સોંરાષ્‍ટ્ર ના ૧૨ જિલ્લા પ્રમુખશ્રીઓં તેમજ તમામ તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો તેમજ પ્રદેશ હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્‍યશ્રીઓ આજના સંગઠન સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા તેમજ સંગઠનના વીવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.(૨.૧૫)

કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ દાનાભાઇ સોલંકી આજે ફરીથી કોગ્રેસમાં જાડાઇ ગયા હતા.

(2:50 PM IST)