News of Monday, 7th September 2026
ભારતીય સેના માટે સંરક્ષણ મંત્રાલયનો ઐતિહાસિક મેગા નિર્ણય: ૧.૧૦ લાખ કરોડ રૂપિયાના ડિફેન્સ સોદાઓને મળી લીલી ઝંડી; સેનાની તાકાતમાં થશે પ્રચંડ વધારો!
ચીન-પાકિસ્તાન સરહદે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના બનશે વધુ આધુનિક; આત્મનિર્ભર ભારત હેઠળ ૯૮ ટકા સંરક્ષણ ખરીદી સ્વદેશી ઉદ્યોગો પાસેથી જ કરાશે

નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક સુરક્ષા સમીકરણો વચ્ચે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી 'ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ' (DAC) ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતીય ભૂમિસેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન (ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ) પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ભારતીય સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતામાં અનેકગણો વધારો થશે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 'આત્મનિર્ભર ભારત' અભિયાનને મોટું પ્રોત્સાહન આપતાં આ કુલ મંજૂર થયેલી રકમના લગભગ ૯૮ ટકા જેટલી ખરીદી માત્ર ને માત્ર ભારતીય સંરક્ષણ ઉદ્યોગો અને ઉત્પાદકો પાસેથી જ કરવામાં આવશે. આ મેગા ડિફેન્સ ડીલ હેઠળ ભારતીય સેનાને કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર (CBRN) રેકી વાહનો, હાઇ મોબીલિટી વ્હીકલ્સ, એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનાઇઝ્ડ માઇન લેયર્સ, ટ્રોવેલ ટેન્ક તેમજ સર્વત્ર બ્રિજ સિસ્ટમ જેવા આધુનિક અને ઘાતક શસ્ત્રો-સરંજામ પૂરા પાડવામાં આવશે.
આ આધુનિક લશ્કરી સરંજામ મળવાથી ભારતીય સૈન્યને અતિ દુર્ગમ અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ઝડપી હિલચાલ કરવામાં અને દુશ્મનના કોઈપણ પરમાણુ કે રાસાયણિક જોખમનો જડબાતોડ જવાબ આપવામાં સક્ષમ બનાવશે. સેનાના ત્રણેય અંગોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો આ નિર્ણય દેશની સીમાઓને અદભૂત સુરક્ષા કવચ પૂરું પાડશે.
સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને ૯૮% પ્રાધાન્ય આપવાથી ભારત આગામી સમયમાં વૈશ્વિક સંરક્ષણ નિકાસકાર દેશ બની શકશે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
