News of Saturday, 9th May 2026
તમિલનાડુમાં 'થલપતિ' વિજયના શપથ ગ્રહણમાં વિલંબથી હડકંપ: ઉશ્કેરાયેલા સમર્થકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા સનસનાટી, રાજ્યમાં રાજકીય ગરમાવો!
તિરુનેલવેલીમાં ચાહકે શરીર પર કેરોસીન છાંટી લગાવી આગ; ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, અગાઉ ગાલમાં ૧૬ ફૂટનો ભાલો પરોવીને કર્યું હતું અનોખું પ્રદર્શન

ચેન્નાઈ : તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ હવે હિંસક અને ગંભીર વળાંક લઈ રહી છે. લોકપ્રિય અભિનેતા અને 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) ના વડા વિજયના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણમાં થઈ રહેલા વિલંબથી નારાજ થઈને એક સમર્થકે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.
તિરુનેલવેલીમાં સમર્થકે કરી મોતની છલાંગ: મીડિયા અહેવાલો અનુસાર, આ ચોંકાવનારી ઘટના તિરુનેલવેલી જિલ્લામાં બની છે. અહીં ૪૦ વર્ષીય ઈસક્કીયપ્પન નામના વ્યક્તિએ વિજયના શપથ ગ્રહણ કાર્યક્રમ રદ થવાથી અને સત્તા મેળવવામાં થઈ રહેલા વિલંબથી હતાશ થઈને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં તે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
લાંબા સમયથી શપથ ગ્રહણની જોતા હતા રાહ: ઈસક્કીયપ્પન વિજયના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તમિલનાડુ વિધાનસભામાં TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હોવા છતાં અન્ય પક્ષોના સ્પષ્ટ સમર્થનના અભાવે સરકાર રચવાનો માર્ગ હજુ સાફ થયો નથી. આ રાજકીય ગતિરોધને કારણે શપથ ગ્રહણ મોકૂફ રાખવાની ફરજ પડી હતી, જેનાથી ભાવનાત્મક રીતે આહત થઈને સમર્થકે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.
અગાઉ ૧૬ ફૂટ લાંબો 'વેલ' (ભાલો) ગાલમાં પરોવ્યો હતો: નોંધનીય છે કે, ઈસક્કીયપ્પન અગાઉ પણ વિજય પ્રત્યેની પોતાની દીવાનગીને લઈને ચર્ચામાં રહ્યો હતો. આશરે ચાર મહિના પહેલા તેણે વિજય મુખ્યમંત્રી બને તેવી માનતા સાથે પોતાના ગાલની આરપાર ૧૬ ફૂટ લાંબો ભાલો પરોવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શાંતિ જાળવવા રાજકીય નેતાઓની અપીલ: રાજ્યમાં વધતા જતા તણાવ અને સમર્થકોની ઉગ્ર પ્રતિક્રિયાઓને જોતા તમિલિસાઈ સુંદરરાજને વિજયને અપીલ કરી છે કે તેઓ પોતાના સમર્થકોને શાંત રહેવા અને આવું કોઈ પણ આત્મઘાતી પગલું ન ભરવા જણાવે. તેમણે ઉમેર્યું હતું કે જનતા નવી સરકાર માટે ભાવનાત્મક રીતે જોડાયેલી છે પરંતુ સ્થિર સરકાર માટે ધીરજ ધરવી અત્યંત જરૂરી છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
