News of Friday, 15th May 2026
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનો આકરો મિજાજ: અદાલત પર કાદવ ઉછાળનારાઓ સામે વીંઝ્યો અવમાનનાનો કોરડો
કેજરીવાલ લેકર કૌભાંડ કેસમાં બરી થયેલા આરોપીઓની અપમાનજનક ટિપ્પણીઓ સાંખી નહીં લેવાય: જસ્ટિસ શર્મા પોતાને કેસથી અલગ નથી કરી રહ્યા પરંતુ નિયમાનુસાર હવે આબકારી કેસની સુનાવણી બીજી બેન્ચ કરશે

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માએ આબકારી નીતિ કેસના કેટલાક બરી થયેલા આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અત્યંત અપમાનજનક અને ઘૃણાસ્પદ ટિપ્પણીઓ સામે લાલ આંખ કરી છે. અદાલતની ગરિમા ખંડિત કરનારાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો કડક નિર્ણય લેવાયો છે, જ્યારે મુખ્ય આબકારી કેસની સુનાવણી હવે અન્ય પીઠને સોંપવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ગુરુવારે ભરી અદાલતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, દિલ્હી આબકારી નીતિ કેસમાં બરી થયેલા કેટલાક આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એક્સ પર તેમના અને અદાલત વિરુદ્ધ જે અત્યંત અપમાનજનક, માનહાનિકારક અને ઘૃણાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા છે, તેને કોઈપણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં.
ન્યાયમૂર્તિ શર્માએ આકરા તેવર બતાવતા જણાવ્યું હતું કે, મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો મારા અને આ અદાલત વિરુદ્ધ અત્યંત માનહાનિકારક સામગ્રી પોસ્ટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હું મૂકપ્રેક્ષક બનીને ચૂપ બેસી શકું નહીં. તેમણે આ મામલે કેટલાક આરોપીઓ અને અન્ય અવમાનના કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો આકરો ફેંસલો લીધો છે.
મળતી સત્તાવાર માહિતી મુજબ, જસ્ટિસ શર્માએ એ વાતનો ખાસ ખુલાસો કર્યો હતો કે તેઓ આ કેસમાંથી પોતાની જાતને અલગ નથી કરી રહ્યા. પરંતુ, કાયદાકીય પ્રક્રિયા અને શિસ્ત મુજબ, જ્યારે ન્યાયાધીશ પોતે અવમાનનાની કાર્યવાહી શરૂ કરે છે, ત્યારે તેઓ તે જ મુખ્ય કેસની સુનાવણી ચાલુ રાખી શકતા નથી. આથી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા આ આબકારી કેસની આગામી સુનાવણી હવે હાઈકોર્ટની અન્ય પીઠ દ્વારા કરવામાં આવશે.
કોર્ટની ગરિમા અને સન્માન જાળવવા માટે ન્યાયમૂર્તિ દ્વારા લેવાયેલા આ કડક પગલાની દેશભરના રાજકીય અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.*
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
