તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 29th October 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: કાર બસમાં ઘૂસી જતાં એક જ પરિવારના ૩ લોકોનાં કરૂણ મોત
બાલાજીના દર્શન કરી દિલ્હી પરત ફરી રહેલા દંપતી અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગુરુગ્રામ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગુરુગ્રામ પાસે ગુરુવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધુનેલા અને લોહટકી ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર રોડ કિનારે ઊભેલી પ્રવાસી બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારનો કૂચડો વળી ગયો હતો અને કારમાં સવાર દંપતી સહિત તેમની પુત્રીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
દર્શન કરીને પરત ફરતી વખતે કાળ ભેટી ગયો
મળતી માહિતી મુજબ, દિલ્હીના રજોકરી વિસ્તારમાં રહેતા અને ટેક્સી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા બૂમ પ્રસાદ પોતાના પરિવાર સાથે રાજસ્થાન સ્થિત બાલાજી ધામના દર્શન કરીને દિલ્હી પરત ફરી રહ્યા હતા. એક્સપ્રેસવે પર ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી
ટક્કર એટલી જોરદાર હતી કે કાર બસના પાછળના ભાગમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રાહત ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે મશક્કત બાદ કારમાંથી મૃતદેહો તથા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પરિવારના બે ગંભીર રીતે ઘવાયેલા બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વાહનો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
