News of Saturday, 27th June 2026
દિલ્હી-વડોદરા રૂટ પર ક્રાંતિકારી બદલાવ: 8-લેન વાઇલ્ડલાઇફ ટનલથી મુસાફરીનો સમય અડધો
રાજસ્થાનના મુકુન્દ્રા હિલ્સ ટાઇગર રિઝર્વમાં બનેલી દેશની પ્રથમ આઠ-લેન ટનલ ખૂલતા વાહનચાલકોને મોટી રાહત, 22 કલાકનું અંતર હવે માત્ર 12 કલાકમાં કપાશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ અંતર્ગત રાજસ્થાનના કોટા નજીક મુકુન્દ્રા હિલ્સ ટાઇગર રિઝર્વમાંથી પસાર થતી દેશની પ્રથમ આઠ-લેન વાઇલ્ડલાઇફ ટનલને સલામતી તપાસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અત્યાર સુધી જે મુસાફરી માટે ૨૦ થી ૨૨ કલાકનો સમય લાગતો હતો, તે હવે માત્ર ૧૦ થી ૧૨ કલાકમાં પૂર્ણ થશે, જેનાથી ઈંધણ અને સમયની મોટી બચત થશે. હાલમાં ટનલનો ઉપયોગ માત્ર કાર અને ઈમરજન્સી વાહનો માટે શરૂ કરાયો છે, જે આગામી સમયમાં તમામ પ્રકારના વાહનો માટે ખોલવામાં આવશે.
આ ટનલ ૪.૯ કિલોમીટર લાંબી છે અને તે ટ્વીન-ટ્યુબ સિસ્ટમ પર આધારિત છે. આ નિર્માણથી ૨૫ કિલોમીટરનો વળાંકવાળો રસ્તો સીધો થઈ ગયો છે. ટનલ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જેથી વાઘ અને અન્ય વન્યજીવો ટનલની ઉપર સુરક્ષિત રીતે ફરી શકે અને તેમને નીચેથી પસાર થતા વાહનોની જાણ પણ ન થાય. સલામતી માટે ટનલમાં નવ ઇમરજન્સી ક્રોસ-પેસેજ, પ્રદૂષણ નિયંત્રણ સેન્સર અને અદ્યતન વેન્ટિલેશન સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.
NHAI ના પ્રોજેક્ટ ડિરેક્ટર (કોટા) સંદીપ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ટનલને સંપૂર્ણ રીતે ઔપચારિક ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં ટનલની અંદર નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યાઓ તપાસવામાં આવી રહી છે. જે અંતર્ગત ટેલિકોમ કંપનીઓને ટનલની અંદર પોતાની સિસ્ટમ વિકસાવવા અને મોબાઇલ નેટવર્કની કામગીરી સુધારવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દેશના સૌથી મોટા આર્થિક કોરિડોર તરીકે વિકસી રહ્યો છે, જે રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક શહેરો સાથે જોડશે. આ પ્રોજેક્ટમાં ટેકનિકલ પડકારો અને વન્યજીવ સંરક્ષણને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો, પરંતુ હવે તે દેશના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્નરૂપ બની રહ્યો છે. ભવિષ્યમાં આ એક્સપ્રેસવેને દેશના તમામ મોટા હાઇવે સાથે જોડવાની યોજના છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
