News of Sunday, 13th September 2026
કેન્દ્રીય કર્મચારીઓ માટે MACP સ્કીમમાં મોટા ફેરફારની માંગ; 5 નાણાકીય અપગ્રેડેશન આપવા પ્રસ્તાવ
કેન્દ્ર સરકારે 8મા પગારપંચના 'ટર્મ્સ ઓફ રેફરન્સ' મંજૂર કરી દીધા છે અને પંચને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર સરકારને અહેવાલ સુપ્રત કરવાનો રહેશે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગારપંચ (8th Pay Commission) ની પ્રક્રિયા શરૂ થયા બાદ હવે મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન (MACP) સ્કીમમાં વ્યાપક ફેરફારોની માંગણીએ જોર પકડ્યું છે. વિવિધ કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ નાણાકીય અપગ્રેડેશનની સંખ્યા વધારવા અને તેનો લાભ પે મેટ્રિક્સના આગલા લેવલને બદલે વાસ્તવિક પ્રમોશનલ પદના પે લેવલ મુજબ આપવા રજૂઆત કરી છે.
હાલની MACP નીતિ હેઠળ કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષની સળંગ સેવા બાદ કુલ ત્રણ નાણાકીય અપગ્રેડેશન આપવામાં આવે છે. જોકે કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ સમયગાળો લાંબો છે અને તેનાથી મર્યાદિત પ્રમોશનલ તકો ધરાવતા સ્ટાફને નુકસાન થાય છે.
સંગઠનોએ ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે જો કોઈ કર્મચારી હાલમાં Level-7 પર સેવા આપતો હોય અને તેનું આગામી પ્રમોશનલ પદ Level-10 નું હોય, તો વર્તમાન MACP નિયમ મુજબ તેને માત્ર તાત્કાલિક આગલું લેવલ એટલે કે Level-8 જ મળે છે. આનાથી વાસ્તવિક પ્રમોશન અને મળતા નાણાકીય લાભ વચ્ચે મોટો તફાવત ઊભો થાય છે. સંગઠનોની માંગ છે કે MACP ને સીધું વાસ્તવિક પ્રમોશનલ હાયરાર્કી સાથે જોડવામાં આવે.
આ ઉપરાંત, FNPO એ એવી પણ સખત માંગ કરી છે કે જો કોઈ કર્મચારી કોઈ કારણસર પ્રમોશન લેવાનો ઇનકાર કરે, તો પણ તેના MACP નાણાકીય લાભ રોકવા કે આગળ ધકેલવા જોઈએ નહીં. પ્રમોશન અને MACP લાભોને તદ્દન અલગ રાખવા જોઈએ.
કેન્દ્ર સરકારે 8મા પગારપંચના 'ટર્મ્સ ઓફ રેફરન્સ' મંજૂર કરી દીધા છે અને પંચને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર સરકારને અહેવાલ સુપ્રત કરવાનો રહેશે. પંચ જરૂર પડે વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે છે.
હાલમાં આ તમામ માંગણીઓ પ્રસ્તાવના સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. જો 8મું પગારપંચ આ ભલામણોનો સ્વીકાર કરે છે, તો લાખો કેન્દ્રીય કર્મચારીઓને તેમની કારકિર્દી દરમિયાન વધુ ઝડપી નાણાકીય પ્રગતિ અને મોટો આર્થિક ફાયદો મળી શકે છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
