<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

તિરુમલામાં ભક્તોને હવે દર્શન માટે કલાકો સુધી નહીં ખાવો પડે ધક્કો: હાઈટેક AI સિસ્ટમના પ્રતાપે વેઈટિંગ પીરિયડમાં થયો ધરખમ ઘટાડો

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા હજારો કેમેરાની મદદથી થશે ભીડનું રિયલ ટાઇમ મોનિટરિંગ: ૩૬ કલાક સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાની હાડમારીમાંથી મળી મુક્તિ, હવે માત્ર ૧૪ કલાકમાં જ થશે ભગવાન વેંકટેશ્વરના દર્શન

તિરુપતિ : આંધ્ર પ્રદેશના જગપ્રસિદ્ધ તિરુમલા વેંકટેશ્વર મંદિરમાં આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા મંદિરમાં આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 'ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' કાર્યરત કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે અગાઉ જે દર્શન માટે ભક્તોને ૨૪ થી ૩૬ કલાક સુધી કતારોમાં પ્રતીક્ષા કરવી પડતી હતી, તે સમય હવે ઘટીને અંદાજે ૮ થી ૧૪ કલાક થઈ ગયો છે. મંદિર પ્રશાસન મુજબ, આ નવી વ્યવસ્થાથી ભીડનું સંચાલન વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બન્યું છે.

મંદિરના વૈકુંઠમ ક્યૂ કોમ્પ્લેક્સમાં ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલી આ સિસ્ટમ રિયલ-ટાઇમ ડેટા વિશ્લેષણ પર કામ કરે છે. સમગ્ર મંદિર પરિસરમાં ૬,૦૦૦ થી વધુ હાઈ-ડેફિનેશન કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી અનેક કેમેરા ફેશિયલ રેકોગ્નિશન (ચહેરો ઓળખવાની ક્ષમતા) ટેકનોલોજીથી સજ્જ છે. આ કેમેરા લાઈનમાં ઉભેલા શ્રદ્ધાળુઓની સંખ્યા, ગતિ અને ભીડની ગીચતા વિશે તાત્કાલિક માહિતી કંટ્રોલ રૂમને મોકલે છે. હીટ મેપ અને અત્યાધુનિક ડેશબોર્ડની મદદથી સુરક્ષાકર્મીઓ જાણી શકે છે કે કયા વિસ્તારમાં ભીડ વધી રહી છે અને ક્યાં તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે.

નવી સિસ્ટમ માત્ર દર્શનના સમયને જ નહીં, પરંતુ વાહન વ્યવહાર અને સુરક્ષા વ્યવસ્થાને પણ મજબૂત બનાવી રહી છે. શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવા સાથે આ ટેકનોલોજી યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. અહેવાલો અનુસાર, એઆઈના કારણે અધિકારીઓ હવે લાઈનોની સ્થિતિ અને પ્રતીક્ષા સમયનું સચોટ અનુમાન લગાવી શકે છે, જેનાથી ભક્તોને અગાઉથી જાણકારી આપી શકાય છે. ટેકનોલોજી અને આસ્થાના આ અનોખા સંગમથી તિરુપતિમાં દર્શનની આખી પ્રક્રિયા વધુ સુખદ અને ઝડપી બની ગઈ છે.

(1:07 PM IST)