<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

પવિત્ર અમરનાથ ગુફામાં ગરમીના કારણે હિમલિંગ ઝડપથી પીગળતા શ્રદ્ધાળુઓ અને વહીવટીતંત્રની ચિંતા વધી

તાપમાન વધવાને લીધે અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં જ હિમલિંગનું કદ ઘટ્યું છતાં દર્શન વ્યવસ્થા અકબંધ રહેશે

જમ્મુ: કાશ્મીરના હિમાલય પ્રદેશમાં સમુદ્ર સપાટીથી લગભગ ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં બનતું પ્રાકૃતિક હિમલિંગ આ વર્ષે ગરમ હવામાનના કારણે ઝડપથી પીગળી રહ્યું છે. યાત્રા શરૂ થાય તે પહેલાં જ હિમલિંગના કદમાં ઘટાડો થવાથી શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો અને વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે યાત્રા અને દર્શનની વ્યવસ્થા પર તેની કોઈ પ્રતિકૂળ અસર પડશે નહીં.

દર વર્ષે ગુફાની છત પરથી ટપકતા પાણીના થીજી જવાથી પ્રાકૃતિક હિમલિંગ બને છે. નિષ્ણાતોના મતે હિમલિંગ ઝડપથી પીગળવા પાછળ વધતું તાપમાન અને ઓછી હિમવર્ષા મુખ્ય કારણો છે. 

ગયા શિયાળામાં સામાન્ય કરતા ઓછો બરફ પડ્યો હતો. આ ઉપરાંત મે અને જૂન મહિનામાં ફૂંકાયેલી ગરમ હવાઓ અને આકરા તડકાની પણ વ્યાપક અસર જોવા મળી છે. પર્યાવરણવિદો માને છે કે જળવાયુ પરિવર્તનની અસર હિમાલયના વિસ્તારોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ પરિસ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ગુફા વિસ્તાર તેમજ પહેલગામ અને બાલટાલ એમ બંને યાત્રા માર્ગો પર જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. 

ધાર્મિક સંગઠનોએ શ્રદ્ધાળુઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને યાત્રા પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવા અપીલ કરી છે. તેમના મતે હિમલિંગનું કદ કુદરતી સંજોગો અનુસાર વધઘટ થતું રહે છે. 

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે છતાં વહીવટીતંત્ર લાખો શ્રદ્ધાળુઓને સુચારુ દર્શન કરાવવા કટિબદ્ધ છે.

(5:17 PM IST)