News of Saturday, 25th July 2026
ધર્મેન્દ્ર પ્રધાનનો બલિ ભોગ: યુપી ચૂંટણીમાં મોટું નુકસાન અટકાવવા ભાજપે પોતાના જ 'ચતુર ચાણક્ય'ની બલિ ચડાવી?
CJP વિદ્યાર્થી આંદોલન આગળ કેન્દ્ર નમ્યું: અખિલેશ-ડિમ્પલ યાદવે યુવા મોરચો સંભાળતા જ કમલમમાં દોડધામ મચી, લોકસભા ચૂંટણીના સંકેતોથી હાઈકમાન્ડ ભયભીત

લખનૌ : CJP ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના ભારે દબાણ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી દેશના રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ હાઈકમાન્ડનો આ નિર્ણય માત્ર જવાબદારી સ્વીકારવાનો નથી, પરંતુ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય નુકસાન અટકાવવા માટે ખેલાયેલી એક મોટી "ચૂંટણી ચાલી" નો ભાગ છે. દિવસો સુધી પ્રધાનનો બચાવ કર્યા બાદ, જ્યારે આંદોલને યુનિવર્સિટી કેમ્પસમાંથી બહાર નીકળીને વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે પક્ષે પોતાના રાજકીય સમીકરણોનું પુનર્મૂલ્યાંકન કરવું પડ્યું હતું.
ભાજપના આંતરિક મૂલ્યાંકનમાં એવો ડર સેવાઈ રહ્યો હતો કે આ વિદ્યાર્થી આંદોલન યુવા અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોને પક્ષથી દૂર કરી શકે છે. આ એ જ યુવા વર્ગ છે જેણે છેલ્લા એક દાયકામાં ભાજપની અનેક ચૂંટણી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવે આ આંદોલનને આક્રમક ટેકો આપીને પોતાને વિદ્યાર્થીઓનો મુખ્ય રાજકીય અવાજ બનાવી દીધો હતો. ૨૦ જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ ડિમ્પલ યાદવ પોતે જંતર-મંતર પહોંચ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થીઓની સંભાળ લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં SP ને યુવાનો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપવામાં મોટી સફળતા મળી હતી.
ઉત્તર પ્રદેશમાં લગભગ ૩૫ ટકાથી વધુ મતદારો ૩૫ વર્ષથી ઓછી વયના છે. આવા વિષમ સંજોગોમાં યુવા વર્ગમાં નારાજગી વધે તો ભાજપ માટે યુપીમાં ફરી સત્તા મેળવવી અત્યંત મુશ્કેલ બની જાય તેમ હતું. આ જ કારણે પક્ષે પોતાના સૌથી સફળ ચૂંટણી મેનેજરોમાંના એક એવા ધર્મેન્દ્ર પ્રધાનનો બલિ ભોગ આપવાનું યોગ્ય માન્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાને ૨૦૨૨માં યુપીમાં ૨૫૫ બેઠકો જીતાડીને ભાજપની સત્તા જાળવી રાખી હતી, તેમજ ૨૦૨૪માં હરિયાણા અને ૨૦૨૫માં બિહારમાં પણ કમળ ખીલવવામાં માસ્ટરમાઇન્ડની ભૂમિકા ભજવી હતી.
જોકે, હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ધર્મેન્દ્ર પ્રધાનને વહીવટી નિષ્ફળતાના કારણે હટાવવામાં આવ્યા છે કે પછી ભાજપે યુપી ચૂંટણીમાં થનારા મોટા પરાજયને ટાળવા માટે પોતાના સૌથી વિશ્વસનીય વ્યૂહરચનાકારની જ બલિ ચડાવી દીધી? ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપનો આ ડેમેજ કંટ્રોલનો દાવ યુવાનોનો અસંતોષ શમાવવામાં સફળ રહે છે કે વિપક્ષના આરોપોને વધુ મજબૂત બનાવે છે, તે તો આવનારો સમય જ બતાવશે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
