News of Sunday, 17th May 2026
બેટ મૂકીને ધોનીએ હાથમાં લીધી મશીનગન : ચેન્નાઈમાં NSG કમાન્ડો વચ્ચે મશીનગન ચલાવી પરાક્રમ બતાવ્યું
ઈજાને કારણે IPL 2026 ની એકપણ મેચ હજુ સુધી રમ્યા :સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ પહેલા ગન સાથે ટ્રેનિંગ: ધોનીના શૂટિંગનો વીડિયો થયો વાયરલ

આઈપીએલની વર્તમાન સીઝનમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફ માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે 'થાલા' ધોનીના એક વીડિયોએ ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. મેદાન પર બેટિંગ માટે તરસી રહેલા ચાહકોએ હવે ધોનીને હથિયારો સાથે જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
આઈપીએલ 2026ની સીઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે હજુ સુધી સૌથી મોટી રાહ પૂરી થઈ નથી. સીઝનની શરૂઆત પહેલા જ ઈજાના કારણે રમતથી દૂર રહેલા મહેન્દ્ર સિંહ ધોની અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યા નથી. જોકે, જ્યારે ચાહકો તેમને ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા તલપાપડ છે, ત્યારે ધોનીનો એક અલગ જ અંદાજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મહત્વની મેચ પહેલા ધોની ચેન્નાઈમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના પ્રાદેશિક કેન્દ્રમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દેશના આ ચુનંદા 'બ્લેક કેટ' કમાન્ડો વચ્ચે પહોંચેલા ધોનીનો સેના પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો. પેરાશૂટ રેજિમેન્ટમાં ઓનરરી લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા ધોનીએ આ દરમિયાન કમાન્ડોની સ્પેશિયલ મશીનગન હાથમાં લીધી હતી અને નિશાન સાધતા જોવા મળ્યા હતા. કમાન્ડો પરિવારો અને જવાનો પણ ધોનીને પોતાની વચ્ચે જોઈ ભારે ઉત્સાહિત જણાતા હતા.
બીજી તરફ, પ્લેઓફની રેસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થિતિ હાલ નાજુક છે. ટીમ 12 મેચ રમી ચૂકી છે પણ ધોની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બન્યા નથી. ધોની પ્રેક્ટિસ સેશનમાં જોવા મળે છે પણ મેદાન પર ઉતરતા નથી, જેને લઈને સસ્પેન્સ યથાવત છે. હવે જ્યારે 18 મેના રોજ હૈદરાબાદ સામે ચેન્નાઈમાં જ મેચ રમાવાની છે, ત્યારે એવી અટકળો તેજ થઈ છે કે ધોની આખરે આ મેચથી વાપસી કરી શકે છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
