News of Friday, 31st July 2026
કરાચીના લ્યારીમાં ધુરંધર સ્ટાઈલમાં ગોળીબાર: પાકિસ્તાની કુખ્યાત ગેંગસ્ટર ઉઝૈર બલોચના ભાઈ ઝુબૈર પર અંધાધૂંધ ફાઈરિંગ, હાલત અત્યંત ગંભીર!
લ્યારી ગલીઓમાં બાઈકચાલક હુમલાખોરોએ ઘરની બહાર જ તાકીને છાતી અને પેટમાં ઝીંકી ગોળીઓ; બે રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થતાં કરાચીમાં ફરી ગેંગવોરનો ભય.

કરાચી : પાકિસ્તાનના કરાચી શહેરનો કુખ્યાત અને અતિ સંવેદનશીલ ગણાતો લ્યારી વિસ્તાર ગુરુવારે સાંજે ફરી એકવાર ગોળીબારના ધડાકાઓથી ધ્રૂજી ઊઠ્યો હતો. જેલમાં બંધ પાકિસ્તાની મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ઉઝૈર બલોચના 40 વર્ષીય ભાઈ ઝુબૈર બલોચ પર અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ સનસનાટીભર્યા હુમલામાં ઝુબૈરને છાતી અને પેટના ભાગે ગંભીર રીતે અનેક ગોળીઓ વાગતાં તેને તાત્કાલિક લોહાનુહાન હાલતમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી છે અને હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ઝુબૈર લ્યારી સ્થિત પોતાના ઘરની બહાર ઊભો હતો ત્યારે મોઢા પર કાપડ બાંધીને આવેલા બાઈકસવાર હુમલાખોરોએ તેને લક્ષ્ય બનાવીને ધડાધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. બોલીવુડ ફિલ્મ 'ધુરંધર' સ્ટાઈલમાં થયેલા આ અચાનક હુમલાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ગોળીબારની ચપેટમાં આવી જવાથી નજીકમાં ઊભેલા બે નિર્દોષ રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ નજીકની દુકાનના માલિકે સામો ગોળીબાર કરતા હુમલાખોરો બાઈક પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
હુમલાની મુખ્ય વિગતો અને તપાસ:
· ઈજાગ્રસ્ત: ઝુબૈર બલોચ (છાતી અને પેટમાં ગોળીઓ) અને ૨ અન્ય રાહદારીઓ.
· પૃષ્ઠભૂમિ: ઝુબૈરની ૨૦૧૨ માં ધરપકડ થઈ હતી અને જાન્યુઆરી ૨૦૨૫ માં જ તે જેલમાંથી મુક્ત થયો હતો.
· પોલીસ તપાસ: વરિષ્ઠ પોલીસ અધિકારી સૈયદ અસદ રઝાના જણાવ્યા મુજબ, જૂની ગેંગવોર, આંતરિક વર્ચસ્વની લડાઈ અને અંગત દુશ્મનાવટ જેવા તમામ કોણ પરથી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની ચર્ચિત ફ્રેન્ચાઈઝી 'ધુરંધર' માં ભારતીય અભિનેતા દાનિશ પાંડોરે જે ગેંગસ્ટર ઉઝૈર બલોચનું પાત્ર ભજવ્યું હતું, આ તે જ બલોચ પરિવારનો સભ્ય છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર હુમલાનો વીડિયો વાયરલ થયો છે અને લ્યારીના સ્થાનિક લોકોમાં ફરી એકવાર જૂના જમાનાની લોહિયાળ ગેંગવોર શરૂ થવાનો ભારે ડર અને ગભરાટ ફેલાઈ ગયો છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
