<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th November 2026

હમ્પીના પ્રખ્યાત સ્ટોન ચેરિયટનું ડિજિટલ ચિત્રણ રજૂ: મૂળ સ્વરૂપમાં રથની ભવ્યતાનો નજારો

વિશ્વ વારસા સપ્તાહ નિમિત્તે ASI ની અનોખી પહેલ: ખૂટતા વિમાન અને ઘોડાઓનું દર્શન કરાવી પ્રવાસીઓમાં સંરક્ષણ અંગે જાગૃતિનો પ્રયાસ

હમ્પી : આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના હમ્પી સર્કલે હમ્પીના વિજય વિઠ્ઠલ મંદિર સંકુલમાં આવેલા પ્રખ્યાત 'સ્ટોન ચેરિયટ' (પથ્થરના રથ) નું ડિજિટલ ચિત્રણ રજૂ કરીને એક અનોખી પહેલ કરી છે. ક્ષતિગ્રસ્ત થતા પહેલાં આ ઐતિહાસિક રથ તેના મૂળ સ્વરૂપમાં કેવો ભવ્ય દેખાતો હતો તે મુલાકાતીઓને બતાવવાના ઉદ્દેશ્યથી આ ચિત્રણ તૈયાર કરાયું છે, જેમાં હાલ ગેરહાજર એવા ઉપરના 'વિમાન' (શિખર જેવો ભાગ) અને રથને ખેંચતા ઘોડાઓને પણ દર્શાવવામાં આવ્યા છે.
ASI ના સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ કે. રામા કૃષ્ણ રેડ્ડીના જણાવ્યા અનુસાર, દેશભરમાં ઉજવાતા 'વર્લ્ડ હેરિટેજ વીક' (વિશ્વ વારસા સપ્તાહ) નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ રજૂઆત કરવામાં આવી છે. સમય જતાં હવામાન કે અન્ય કારણોસર ક્ષતિગ્રસ્ત થયેલા સ્મારકોને ભૌતિક રીતે મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરી શકાતા નથી, ત્યારે આ ડિજિટલ ચિત્રણ દ્વારા લોકોને તેના સુવર્ણકાળનો પરિચય કરાવવા અને વર્તમાન માળખાના સંરક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરાયો છે.
આ ડિજિટલ ચિત્રણ તૈયાર કરવા માટે આર્કાઇવ્સમાં ઉપલબ્ધ જૂના ફોટા, ઐતિહાસિક દસ્તાવેજો અને પુરાવાઓનો આધાર લેવાયો છે, જેમાં બ્રિટિશ ફોટોગ્રાફર એડમન્ડ ડેવિડ લિયોન દ્વારા ૧૮૬૭-૬૮ના અરસામાં લેવાયેલા ફોટોનો પણ સંદર્ભ તરીકે ઉપયોગ કરાયો છે. આર્કિટેક્ટ પર્ણવી બાંગર અને 'રેમિનિસિંગ હિસ્ટ્રી' ટીમના સભ્યો દ્વારા તૈયાર કરાયેલા આ ચિત્રણમાં હાલ રથની આગળ દેખાતી હાથીઓની બે મૂર્તિઓ ઉપરાંત મૂળ રચનાની ઝાંખી પણ જોવા મળે છે.
આગામી સમયમાં જો નાગરિકો પાસે ઐતિહાસિક સ્મારકો કે વારસાના સ્થળોના જૂના ફોટા ઉપલબ્ધ હોય અને તેઓ ASI ને આપે, તો તેના આધારે અન્ય સ્મારકોના પણ આવા ડિજિટલ ચિત્રણો તૈયાર કરીને રજૂ કરવાની દિશામાં આગળ વધી શકાય છે. આ પહેલ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોમાં ઐતિહાસિક ધરોહર પ્રત્યે સંવેદનશીલતા વધે અને સંરક્ષણની કામગીરીને વધુ વેગ મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

(12:13 AM IST)