News of Friday, 1st May 2026
નાગરિકતા કાયદામાં ડિજિટલ ક્રાંતિઃ હવે બાળકો માટે ડયુઅલ પાસપોર્ટ ભૂતકાળ બનશે
ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમો ૨૦૨૬ લાગુ કરીને ૧૭ વર્ષ બાદ કરી મોટી કાયદાકીય સુધારણા : વિદેશી ભારતીયો માટે e-OCIની સુવિધા સાથે ઇમિગ્રેશન પ્રક્રિયા થશે સુપરફાસ્ટ

નવી દિલ્હી, તા.૧: ભારત સરકારે નાગરિકતા અને OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ ધારકો માટેના ૧૭ વર્ષ જૂના નિયમોમાં ધરખમ સુધારા કરીને નવી વ્યવસ્થા અમલી બનાવી છે. હવે OCI કાર્ડ માટેની અરજીથી લઈને તેને રદ કરવાની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન પોર્ટલ દ્વારા જ થશે. આ નવા ફેરફારમાં સૌથી કડક જોગવાઈ સગીર બાળકો માટે કરવામાં આવી છે; હવે કોઈપણ બાળક ભારતીય પાસપોર્ટની સાથે અન્ય કોઈ દેશનો પાસપોર્ટ ધરાવી શકશે નહીં. આ જોગવાઈ દ્વારા સરકારે ડ્યુઅલ સિટીઝનશિપ અંગેની ગૂંચવણોનો અંત લાવી દીધો છે.
ડિજિટાઈઝેશનના આ યુગમાં હવે અરજદારોને ભૌતિક કાર્ડની સાથે e-OCI નોંધણીની સુવિધા મળશે, જેનાથી ડુપ્લિકેટ દસ્તાવેજો સબમિટ કરવાની કડાકૂટ દૂર થશે. જો કોઈ વ્યક્તિ પોતાનું OCI કાર્ડ સ્વેચ્છાએ છોડવા માંગે અથવા સરકાર દ્વારા તે રદ કરવામાં આવે, તો તે પ્રક્રિયા પણ હવે ડિજિટલ રેકોર્ડ દ્વારા ત્વરિત પૂરી કરવામાં આવશે. વધુમાં, જો કોઈની અરજી નકારવામાં આવે, તો તે વ્યક્તિ હવે ઉચ્ચ સ્તરીય અધિકારી સમક્ષ અપીલ કરી શકશે, જેનાથી પારદર્શિતામાં વધારો થશે.
નોંધનીય છે કે ૧૯૫૫ ના નાગરિકતા અધિનિયમ હેઠળ ૨૦૦૫ માં શરૂ થયેલી આ યોજના ભારતીય મૂળના લોકો માટે છે, પરંતુ પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિક રહી ચૂકેલા લોકો કે તેમના વંશજો આ સુવિધા માટે પાત્ર નથી. સરકારનો મુખ્ય હેતુ વિદેશી ભારતીયોને વહીવટી પ્રક્રિયામાં સરળતા આપવાનો અને સુરક્ષાના ધોરણોને વધુ ચુસ્ત બનાવવાનો છે. નવા નિયમો ૨૦૨૬ થી અમલી બનતા હવે NRI સમુદાયે પોતાની કાયદાકીય સ્થિતિ બાબતે વધુ સજાગ રહેવું પડશે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
