તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Tuesday, 14th April 2026
અમરાવતીમાં ‘ડિજિટલ શિકાર’નો પર્દાફાશ: 350 બિભત્સ વીડિયો અને 180 પીડિતોના ભયાનક આંકડાએ મહારાષ્ટ્રને હચમચાવી દીધું
પરતવાડામાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને અશ્લીલ વીડિયો ઉતારવાનું વ્યવસ્થિત કૌભાંડ: મુખ્ય આરોપીની ધરપકડ બાદ પણ સેંકડો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : રાજકીય આક્ષેપબાજી અને સાયબર સેલની સઘન તપાસ શરૂ

અમરાવતી: મહારાષ્ટ્રના શાંત ગણાતા અમરાવતી જિલ્લાના પરતવાડા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતા અને ડિજિટલ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થયેલા આશરે 350 જેટલા વાંધાજનક વીડિયોએ આખા રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલાની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે ભાજપના સાંસદ ડૉ. અનિલ બોન્ડેએ દાવો કર્યો કે આ જાળમાં ફસાયેલી પીડિત સગીરાઓની સંખ્યા 180 સુધી હોઈ શકે છે. આ માત્ર કોઈ એકલ-દોકલ ગુનો નથી, પરંતુ સગીર છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવી, લાલચ આપી અને ત્યારબાદ તેમના વીડિયો બનાવીને વાયરલ કરવાનું એક સુનિયોજિત ‘બ્લેકમેલિંગ રેકેટ’ હોવાનું જણાઈ રહ્યું છે.
આ સનસનાટીભર્યા મામલામાં અમરાવતી ગ્રામીણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 19 વર્ષીય મુખ્ય સૂત્રધાર અયાન અહેમદ તનવીર અહેમદની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ છોકરીઓ સાથે મિત્રતા કેળવીને તેમની જાણ બહાર અથવા સંમતિ વિના વાંધાજનક સામગ્રી તૈયાર કરી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો, પોક્સો (POCSO) એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ પણ મુખ્ય સહ-આરોપીઓ ફરાર હોવાથી અને વીડિયો હજુ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી રહ્યા હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને તણાવ પ્રવર્તી રહ્યો છે. વહીવટીતંત્રે વિસ્તારમાં શાંતિ જાળવવા અપીલ કરી છે અને વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે.
બીજી તરફ, આ મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી દળો—કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP)—એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા એકસૂરે સરકાર પર પ્રહાર કર્યા છે કે મહિલાઓની સુરક્ષા માત્ર કાગળ પર જ રહી ગઈ છે. તેના જવાબમાં સરકારે ‘ઝીરો ટોલરન્સ’ નીતિની ખાતરી આપી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. પોલીસ વિભાગે પણ પીડિત છોકરીઓના પરિવારોને નિર્ભયતાથી આગળ આવવા વિનંતી કરી છે, અને ખાતરી આપી છે કે તેમની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. હાલમાં સાયબર ક્રાઈમ ટીમ જપ્ત કરેલા મોબાઈલ ફોન અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ દ્વારા આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
