<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

બેંગલુરુથી સ્વિટ્ઝર્લૅન્ડની ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ: દક્ષિણ ભારતનું પ્રથમ શહેર બનશે જે સીધી હવાઈ કનેક્ટિવિટીથી જોડાશે

SWISS ઇન્ટરનેશનલ એરલાઇન્સ આગામી ૨૮ ઓક્ટોબરથી બેંગલુરુ અને ઝુરિચ વચ્ચે અઠવાડિયામાં પાંચ નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરશે; પ્રવાસન અને વેપાર ક્ષેત્રને મળશે મોટો વેગ

બેંગલુરુ : દક્ષિણ ભારતના પ્રવાસ અને ઉદ્યોગ જગત માટે એક ખૂબ જ મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુ હવે દક્ષિણ ભારતનું પહેલું એવું શહેર બનવા જઈ રહ્યું છે જે સીધી જ યુરોપના લોકપ્રિય દેશ સ્વિટ્ઝર્લૅન્ડ સાથે હવાઈ માર્ગે જોડાઈ જશે. 'સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સ' દ્વારા આગામી ૨૮ ઓક્ટોબરથી કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) અને સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ વચ્ચે અઠવાડિયામાં પાંચ વખત નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ભારતમાં માત્ર દિલ્હી અને મુંબઈથી જ સ્વિટ્ઝર્લૅન્ડ માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ હતી, પરંતુ હવે બેંગલુરુ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે.

 

સ્વિટ્ઝર્લૅન્ડ ટુરિઝમના CEO માર્ટિન નાયડેગરે જણાવ્યું હતું કે આ નવી કનેક્ટિવિટી બંને દેશો વચ્ચેના પ્રવાસન અને ટેકનોલોજી ક્ષેત્રના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ઝુરિચથી રવાના થનારી પહેલી ફ્લાઇટ ૨૮ ઓક્ટોબરની વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર ઉતરશે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે નવી દિલ્હીમાં થયેલી બેઠક બાદ ભારત-યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) કરાર હેઠળ આર્થિક અને વ્યાપારી ભાગીદારીને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના ભાગરૂપે આ ફ્લાઇટ શરૂ કરવી એ એક મોટું કદ ગણવામાં આવી રહ્યું છે.

 

ભારતીય પ્રવાસીઓ માટે સ્વિટ્ઝર્લૅન્ડ હંમેશાંથી હિલસ્ટેશનો, આલ્પ્સ પર્વતો, ચોકલેટ અને મનોહર ટ્રેન મુસાફરીને કારણે સ્વર્ગ સમાન રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડ ટુરિઝમના ભારતીય ડિરેક્ટર ક્રિશ્ચિયન શોચે જણાવ્યું છે કે ભારતીયોમાં ઇન્ટરલેકન, લ્યુસર્ન, ઝુરિચ, જીનીવા અને મોન્ટ્રેક્સ જેવા સ્થળો અત્યંત લોકપ્રિય છે. ભારત હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડના ટોચના ૧૦ પ્રવાસી બજારોમાં સ્થાન ધરાવે છે. આ સીધી ફ્લાઇટ શરૂ થવાથી માત્ર મેટ્રો જ નહીં પરંતુ દક્ષિણ ભારતના નાના શહેરો અને પરિવારો માટે પણ યુરોપની મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે.

(9:01 PM IST)