News of Wednesday, 11th November 2026
ડાયરેક્ટ ટેક્સ રિફંડ ૨૫.૯૧% વધીને રૂ. ૩.૦૮ લાખ કરોડ પર પહોંચ્યું, જો તમારું રિફંડ હજુ બાકી છે તો આ બાબતો ધ્યાનમાં રાખો
સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જારી કર્યા રેકોર્ડબ્રેક રિફંડ, નોન-કોર્પોરેટ રિફંડમાં ૫૩.૯૭ ટકાનો જંગી વધારો નોંધાતા કરદાતાઓમાં ઉત્સાહ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના તાજેતરના આંકડાઓ મુજબ, ૧૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ ટેક્સ રિફંડ વાર્ષિક ધોરણે ૨૫.૯૧ ટકા વધીને રૂ. ૩,૦૮,૩૦૬.૯૮ કરોડ પર પહોંચી ગયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. ૨,૪૪,૮૭૨.૨૧ કરોડ હતું. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરદાતાઓને ઝડપથી અને મોટા પ્રમાણમાં રિફંડ જારી કર્યા છે, જેના કારણે લાખો કરદાતાઓને સીધો નાણાકીય લાભ મળ્યો છે અને ટેક્સ પ્રક્રિયા વધુ સરળ બની રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન અત્યાર સુધી જારી કરાયેલા કુલ રિફંડમાં નોન-કોર્પોરેટ ટેક્સ રિફંડ રૂ. ૧,૩૮,૭૭૧.૨૨ કરોડનું રહ્યું છે, જે ગયા વર્ષના સમાનગાળાના રૂ. ૯૦,૧૨૬.૮૮ કરોડની સરખામણીએ પૂરા ૫૩.૯૭ ટકાનો મોટો વધારો દર્શાવે છે. બીજી તરફ, કોર્પોરેટ ટેક્સ રિફંડ રૂ. ૧,૬૯,૫૧૨.૧૮ કરોડ થયું છે, જે એક વર્ષ પહેલાના રૂ. ૧,૫૪,૭૨૪.૮૨ કરોડથી ૯.૫૬ ટકા વધુ છે. આ આંકડાઓ એવા સમયે આવ્યા છે જ્યારે દેશભરના કરદાતાઓ આકારણી વર્ષ (AY) ૨૦૨૬-૨૭ માટે પોતાના આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા બાદ રિફંડની રાહ જોઈ રહ્યા છે, અને આવકવેરા વિભાગના પોર્ટલ પર અત્યાર સુધીમાં ૮.૩૬ કરોડથી વધુ આઇટીઆર ફાઇલ થઈ ચૂક્યા છે.
આ ઉપરાંત, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડા દર્શાવે છે કે કુલ ગ્રોસ કલેક્શન વધીને રૂ. ૧૭,૫૦,૨૮૫.૮૯ કરોડ થયું છે, જે ગત વર્ષના રૂ. ૧૫,૩૫,૦૭૬.૩૧ કરોડથી ૧૪.૦૨ ટકા વધારે છે. રિફંડની રકમ બાદ કર્યા પછી ચોખ્ખું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે ૧૧.૭૬ ટકા વધીને રૂ. ૧૪,૪૧,૯૭૮.૯૧ કરોડ પર પહોંચ્યું છે, જે દેશની મજબૂતર્થિક સ્થિતિ અને કરદાતાઓમાં પાલનનો વ્યાપ દર્શાવે છે.
જો તમારું આવકવેરા રિફંડ હજુ સુધી જમા થયું નથી, તો તમારે તરત જ આવકવેરા વિભાગના સત્તાવાર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને તમારા રિટર્નની સ્થિતિ (Status) ચકાસી લેવી જોઈએ. ઘણીવાર બેંક ખાતાની વિગતો મેળ ન ખાવાને કારણે અથવા PAN સાથે આધાર લિંક ન હોવાને કારણે રિફંડ અટવાઈ જતું હોય છે, તેથી જો કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક સુધારો કરીને રિફંડ રી-ઇશ્યુ (Re-issue) ની અરજી કરી દેવી જેથી નાણાં ઝડપથી તમારા ખાતામાં જમા થઈ શકે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
