<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ભાષાના નામે ભેદભાવ નહીં ચાલે: ઓટો-ટેક્સી ડ્રાઇવરો માટે ‘મરાઠી’ના આદેશ સામે એડવોકેટ ગુણરત્ન સદાવર્તે મેદાને

‘આ નિર્ણય બંધારણ અને મોટર વાહન અધિનિયમની વિરુદ્ધ’; જો ડ્રાઇવરોના લાઇસન્સ રદ કરાયા તો કોર્ટમાં જવાની સદાવર્તેની કડક ચેતવણી

મુંબઈ: મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠી ભાષાને ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયથી ફરી એકવાર કાનૂની અને રાજકીય ઘર્ષણ શરૂ થયું છે. જાણીતા એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ આ પગલાને ‘ગેરબંધારણીય’ ગણાવીને રાજ્ય સરકાર અને રાજકીય નેતાઓ સામે મોરચો માંડ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો આ નિયમ બળજબરીથી લાગુ કરવામાં આવશે, તો તેનો રસ્તા પર અને કોર્ટમાં સખત વિરોધ કરવામાં આવશે.
‘બંધારણીય અધિકારો પર તરાપ’
મીડિયા સાથેની વાતચીતમાં સદાવર્તેએ દલીલ કરી હતી કે મરાઠી ભાષા આવડવી જ જોઈએ તેવો આદેશ ભારતના બંધારણ અને મોટર વાહન અધિનિયમ (Motor Vehicle Act) ના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, "ભાષાની ક્ષમતાના આધારે કોઈનું લાયસન્સ રદ કરવું કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. કોઈપણ ડ્રાઇવરને ધમકાવવામાં આવશે તો આ મામલો કાયદાની ભાષામાં જ સમજાવવામાં આવશે."
રાજકીય નેતાઓ પર પ્રહારો
સદાવર્તેએ કોઈનું નામ લીધા વિના રાજ ઠાકરેની પાર્ટી દ્વારા અપાતી ધમકીઓ અને પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના નિર્ણય સામે આંગળી ચીંધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાષાનો મુદ્દો ઉછાળીને મુખ્ય સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. તેમણે ઉગ્ર નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને ભાષા લાદવા માટે ધાકધમકીનો ઉપયોગ કરી શકાય નહીં.
‘ભાષા ડરથી નહીં, પ્રેમથી શીખાય’
સદાવર્તેના મતે, મરાઠી એક સમૃદ્ધ ભાષા છે અને તેનું જ્ઞાન સાહિત્યિક અને સાંસ્કૃતિક સ્વીકૃતિ દ્વારા વધવું જોઈએ, નહીં કે ડર દ્વારા. ધમકીઓ આપીને ભાષા થોપવી એ સામાજિક સંવાદિતા અને લોકતાંત્રિક મૂલ્યોનો વિરોધાભાસ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે પરિવહન વિભાગના અધિકારીઓ પણ ખાનગીમાં સ્વીકારે છે કે માત્ર ભાષાના મુદ્દે કાયદેસર રીતે લાઇસન્સ રદ કરી શકાય નહીં.
મહારાષ્ટ્રમાં ગરમાયું રાજકારણ
આ મુદ્દો હવે માત્ર પરિવહન નીતિનો રહ્યો નથી, પરંતુ તે ઓળખ અને અધિકારોની વ્યાપક ચર્ચામાં ફેરવાઈ ગયો છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લાખો પરપ્રાંતીય ડ્રાઇવરો આ આદેશથી ચિંતિત છે. એક તરફ મરાઠી અસ્મિતાના નામે રાજકીય પક્ષો આ આદેશને વળગી રહ્યા છે, તો બીજી તરફ કાનૂની લડાઈના એંધાણ મળી રહ્યા છે, જે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

(6:38 PM IST)